નવી દિલ્હી : આ મામલે આગામી સુનાવણી 29 જૂને હાથ ધરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠને જાણ કરવામાં આવી હતી કે આ જ પ્રકારની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 17 જૂને થવાની છે, ત્યારબાદ કોર્ટે આ કેસને મુલતવી રાખવાનો આદેશ આપ્યો હતો.
આ અરજી વકીલ અવધ કૌશિક દ્વારા કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી સરકારે દિલ્હી હાઈકોર્ટને ખાતરી આપવી જોઈએ કે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મીડિયામાં એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કોરોનાથી સંક્રમિત મૃતદેહને તે જ વોર્ડના કોરિડોરમાં રાખવામાં આવ્યા છે જ્યાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ વીડિયો ભયાનક છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આરોગ્ય સચિવ, મુખ્ય સચિવ અને એલએનજેપી હોસ્પિટલના તબીબી નિયામકે તેમના પોતાના સોગંદનામાનું ઉલ્લંઘન કર્યું છે જેમાં જણાવ્યું છે કે હોસ્પિટલના વોર્ડ અથવા કોરિડોરમાં કોઈ મૃતદેહ રાખવામાં આવશે નહીં.
અરજીમાં આ અધિકારીઓ ખુદ કોર્ટમાં હાજર થઇ આ સંદર્ભે પરિસ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ અધિકારીઓ કોર્ટમાં અપાયેલા સોગંદનામું પણ અનુસરી રહ્યા નથી. પીટીશનમાં એલએનજેપી હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે એક સમિતિની રચના કરવાની અને ત્યાંની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ રજૂ કરવાની માંગ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે , દિલ્હી સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે મૃતદેહોનો અંતિમ સંસ્કાર સમય મર્યાદામાં કરવામાં આવશે. વીડિયોમાં મૃતદેહોને વોર્ડના ફ્લોર પર અથવા બેડની નીચે મૂકવામાં આવ્યા હતા જ્યાં કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.