નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડાએ રવિવારે રાજ્યસભાના સદસ્યના શપથ લીધા હતા. 87 વર્ષીય દેવગૌડા જૂનમાં કર્ણાટકથી રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
1996માં પહેલી વખત જેડીએસના કોઇ નેતા રાજ્યસભાના સદસ્ય બન્યા છે. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂની ઉપસ્થિતિમાં કન્નડ ભાષામાં તેમણે શપથ લીધા હતા.
તેમની તબિયત ખરાબ હોવાને કારણે દેવગૌડા 22 જુલાઇએ શપથ લઇ શક્યા નહીં. દેવગૌડા બીજી વખત રાજ્યસભા માટે પસંદગી પામ્યા છે. તે 24 વર્ષ પહેલાં રાજ્યસભાના સદસ્ય રહી ચૂક્યા છે. તે સમયે જૂન 1996થી અપ્રિલ 1997 સુધી દેશના વડાપ્રધાન હતા.
દરમિયાન સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, કોંગ્રેસના નેતા અંબિકા સોની અને સમાજવાદી પાર્ટીના રેવતી રામનસિંહે બેઠકમાંથી ગેરહાજર રહેવાની મંજૂરી માંગી છે. આ અગાઉ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે પણ સ્વાસ્થ્યનાં કારણોસર ગૃહમાંથી ગેરહાજર રહેવાની મંજૂરી માંગી હતી.