નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં સીઆઈએસએફના જવાનોને તૈનાત કરવાની મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કામાં 25 ઓગસ્ટથી અહીં 272 જવાનો તૈનાત કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, સક્ષમ અધિકારીઓ વતી, ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યૂનિટીની સુરક્ષા માટે 272 જવાનો તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે મંત્રાલય દ્વારા સીઆઇએસએફના ડીજી રાજેશ રંજનને એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે.
સીઆઈએસએફના જવાનો ઘણા મહત્વના એરપોર્ટ અને દિલ્હી મેટ્રોની સુરક્ષા કરે છે. આ ઉપરાંત, રાજધાની દિલ્હીમાં તમામ સરકારી ઇમારતોની સુરક્ષા માટે પણ સીઆઈએસએફનું યોગદાન છે. હવે સ્ટેચ્યુ ઓફ યૂનિટીના રક્ષણ માટે આ સુરક્ષા દળના જવાનો તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્તમાન સમયમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટીના પ્રવેશદ્વાર હજુ પણ પ્રવાસીઓ માટે બંધ છે. જે 2 સપ્ટેમ્બરથી ખુલવાની સંભાવના છે. રાજ્ય સરકારે કેટલાક મહિના પહેલા કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.