નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનું શનિવારે બપોરે 64 વર્ષની વયે અવસાન થયું છે. અમરસિંહ લાંબા સમયથી બીમાર હતા અને સિંગાપોરમાં લગભગ 6 મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. અમરસિંહ આઈસીયુમાં હતા અને તેમનો પરિવાર ત્યાં હતો. આ પહેલા 2013માં અમર સિંહની કિડની ફેલ થઈ હતી.
આજે તેમણે સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલકને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને ઈદ અલ અઝહા નિમિત્તે તમામ ફોલોવર્સને અભિનંદન પણ આપ્યા હતા. અમરસિંહની પ્રોફાઇલ જોતા લાગે છે કે, તે બીમાર હોવા છતાં સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ હતા.
રક્ષાપ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કરીને કહ્યું કે, 'વરિષ્ઠ નેતા અમર સિંહના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયું.'
તેમણે હોસ્પિટલમાં બેડ પરથી 22 માર્ચે એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં, તેમણે કોરોના વાઈરસ સામેની લડતમાં તેમના તમામ ફોલોવર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવા અપીલ કરી હતી.