ભારતીય રાજદૂત ડો. ઔસફ સઇદ દ્વારા જારી કરવામાં આવેલી એક સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, “દૂતાવાસ સાઉદી અરેબિયામાં કોવિડ-19ના રોગચાળાના વ્યાપની સ્થિતિ પર ઝીણવટપૂર્વક દેખરેખ રાખી રહ્યું છે તથા અહીં ભારતીય નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે તે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે.”
કિંગ્ડમ ઓફ સાઉદી અરેબિયા (કેએસએ)માં વસતા ભારતીય સમુદાયની ફરિયાદ નિવારવા માટે દૂતાવાસ ચોવીસ કલાક કાર્યરત હેલ્પલાઇન કમ વોટ્સેપ નંબર (+966 546103992 ) અને ઇમેઇલ (covid19indianembassy@gmail.com) ધરાવે છે. વળી, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય ડોક્ટરોનું એક વોટ્સેપ ગ્રૂપ પણ રચવામાં આવ્યું છે. વળી, ચુસ્ત લોકડાઉનમાં ફસાયેલા ભારતીયોને અગાઉથી કોઇ શારીરિક તકલીફ હોય અથવા તો તાજેતરમાં શારીરિક સમસ્યા ઉદ્ભવી હોય, તો તેમને મેડિકલ સહાય પણ પૂરી પાડવામાં આવે છે. વળી, ભારતીય મિશનોએ સ્થાનિક ડાયસ્પોરા નેટવર્ક સંગઠનો થકી મહત્વની ફૂડ સપ્લાય ચેઇન તથા ભારતીય રેસ્ટોનર્ટ્સ સાથે સંપર્ક જાળવ્યો છે, જેથી જરૂરિયાત ધરાવતાં સ્થળોએ ખોરાક પહોંચાડી શકાય.
53 દેશોમાં વસતા ભારતીય નાગરિકો પૈકી 3,300 કરતાં વધુ ભારતીયોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, તે પૈકીના 2,100 કરતાં વધુ (આશરે 70 ટકા) કેસો ખાડીના દેશોમાં નોંધાયા છે. કોરોના પોઝિટિવ ભારતીય નાગરિકોના આશરે 300 કરતાં વધુ કેસો ઇરાનના તહેરાન અને ક્વોમમાં પણ નોંધાયા છે. ખાડીના છ દેશોમાં (બહેરીન, કુવૈત, કતાર, ઓમાન, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં) એંશી લાખ કરતાં વધુ ભારતીય કામદારો કામ કરે છે. આ પૈકીના અડધા ભારતીયો અકુશળ કામદારો છે, જ્યારે લગભગ 30 ટકા આંશિક કુશળ કામદારો છે અને 20 ટકા કુશળ કાર્ય બળનો ભાગ છે.
“ભારતીય દૂતાવાસ કિંગ્ડમ (કેએસએ)માં ભારતીય કામદારોને રોજગાર આપતી તમામ મહત્વની કંપનીઓના સંપર્કમાં છે અને દૂતાવાસે તેમને ખાસ કરીને લેબર કેમ્પ્સમાં કામદારોના આરોગ્ય પર દેખરેખ અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો જેવાં સાવચેતીનાં પગલાં હાથ ધરાય, તે સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરી છે,” તેમ દૂતાવાસે જણાવ્યું હતું. “દૂતાવાસે સમુદાય માટે શાંત અને રહેવાની અને જવાબદારી તથા શિસ્તની ઊંચી ભાવના દર્શાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે તથા વર્તમાન પરિસ્થિતિ સામે લડવા માટે સાઉદી અરેબિયાના સત્તાતંત્રને પૂર્ણ સહકારની ખાતરી આપી છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું, ઘરે રહેવું તથા એકઠા થવાનું ટાળવું, વગેરે જેવા રોગચાળાને કાબૂમાં લેવા માટેનાં સાવચેતીનાં તમામ પગલાંને ચુસ્તપણે અનુસરવાં જરૂરી છે,” તેમ યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.
ફ્લાઇટો રદ કરવી અને ઓફિસો બંધ કરવાથી માંડીને ઉમરાહ જેવા ધાર્મિક કાર્યક્રમો રદ કરવા સહિતનાં સાવચેતીનાં પગલાં ભરવા છતાં, સાઉદી અરેબિયામાં અસરગ્રસ્ત કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ખાડીના આરબ દેશોમાં આશરે 17,000 પોઝિટિવ કેસો છે, તેમાંથી 4500 કરતાં વધુ કેસો એકલા સાઉદી અરેબિયામાં નોંધાયા છે. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રી ડો. તૌફિક અલ રાબિયાહે ગયા અઠવાડિયે કબૂલ્યું હતું કે, ખાસ કરીને કામદારો, મજૂરો અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસો પડકાર સર્જી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામારી સામે લડત આપવાના પ્રયાસો અંગે ચર્ચા કરવા માટે 17મી માર્ચના રોજ સાઉદી અરેબિયાના પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાન સાથે ચર્ચા કરી હતી અને પછીથી રોગચાળા સામેના વૈશ્વિક સહનિર્દેશિત પ્રતિસાદ અંગે ચર્ચા કરવા માટે સાઉદી પ્રેસિડેન્સીના ચેરમેનપદ હેઠળ 26મી માર્ચના રોજ યોજાયેલી જી-20 વર્ચ્યુઅલ સમિતમાં પણ ભાગ લીધો હતો. ભારતે એ સ્પષ્ટ કર્યું છે કે, ખાડીના દેશો સહિતના દેશોમાં ફસાયેલા ભારતીયોના સ્થળાંતરની કામગીરી હાલના તબક્કે હાથ ધરવામાં નહીં આવે. આ વિષય પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી પણ એક મહિનો પાછી ઠેલવામાં આવી છે.
“ભારતમાં લોકડાઉનની સમય મર્યાદા લંબાવવામાં આવી છે તેને કારણે તથા ભારતીયોની સલામતી તથા ભારતીયોના હિતને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે, તેને પગલે આ તબક્કે સ્થળાંતરની કોઇ યોજના નથી. દૂતાવાસ ભારત અને સાઉદી અરેબિયા, બંને દેશોમાં ઓથોરિટી સાથે સતત સંપર્કમાં છે અને આ મામલે કોઇ પણ ગતિવિધિ થાય, તો તેવા કિસ્સામાં તે તેના સોશ્યલ મીડીયા એકાઉન્ટ્સ તથા વેબસાઇટ્સ થકી પ્રત્યાયન કરશે,” તેમ રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું.