નવી દિલ્હીઃ ફિફા અન્ડર-17 મહિલા વિશ્વ કપની આયોજન સમિતિએ શુક્રવારે 'ફુટબોલ ફૉર ઓલ' કાર્યક્રમની શરૂઆત કરી. રાજઘાની દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં એનજીઓ, ફુટબોલ એકેડમીઓ, તેમજ વિદ્યાલયોમાંથી 300થી વધારે બાળકોએ 'કિક ઑફ ધ ડ્રિમ્સ' ફુટબોલ ઉત્સવમાં ભાગ લીધો હતો. જેમા 5 vs 5 ફુટબોલ ચેલેન્જ તરફ બધાનુ ધ્યાન આકર્ષિત થયુ હતું. આ ટુર્નામેન્ટ માઈ ઈલેલ્સ એકેડમીએ જીતી હતી.
અન્ડર-17 વિશ્વ કપની આયોજન સમિતિ(એલઓસી)ની ટૂર્નામેન્ટ ડારેક્ટર રોમા ખન્નાએ જણાવ્યું કે, અમે ફિફા અન્ડર-17 મહિલા વિશ્વ કપના આયોજનથી વધારેમાં વધારે બાળકો, અને ખાસ કરીને છોકરીઓ આ રમત તરફ પ્રોત્સાહિત થાય અને આ શાનદાર રમતને અપનાવે તે માટે અમે આ આયોજન કર્યુ છે. આપણે માનસિકતા બદલવી પડશે. આ પ્રકારના આયોજનો કરતા રહેવા જોઈએ. આવા આયોજનનો હેતુ એટલો જ છે કે, બાળકો આવે અને આ રમતનો આનંદ ઉઠાવે તેમજ મહિલાઓ ફુટબોલ રમત વિશે વધુ જાણે.
કિક ઓફ ધ ડ્રિમ્સ ફુટબૉલ મહોત્સવ દેશભરમાં યોજાશે. ભારતમાં આ વર્ષે 2થી 21 નવેમ્બર દરમિયાન ફિફા અન્ડર-17 મહિલા વિશ્વ કપ યોજાશે. દેશમાં પ્રથમ વખત યોજાનાર આ ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ 21 નવેમ્બરે નવી મુંબઈ ખાતે રમાશે.
આ ટૂર્નામેન્ટના મેચો દેશના પાંચ શહેરો જેવા કે, અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકતા અને નવી મુંબઈ ખાતે યોજાશે. ટૂર્નામેન્ટમાં 16 ટીમો કુલ 32 મેચો અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહટી અને કોલકતામાં રમાશે.