ભારત વિકાસશીલ દેશોની યાદીમાંથી વિકસિત દેશોની યાદી તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં સામાન્યમાં સામાન્ય માણસ સુધી તમામ પ્રકારની સુવિધાઓ અને ટેકનોલોજીનો લાભ પહોંચી રહ્યો છે. તેવા સમયમાં વૈશ્વિક સ્તરે ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉન ચાલી રહ્યાના મેસેજ દરેક સ્તરે વેપારીઓ અને ઉપભોક્તા બંનેને ચિંતીત બનાવી રહ્યું છે. તેવા સંજોગોમાં ટેસ્ટ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી અમુલ ડેરીની પેદાશોની વેચાણમાં ગત વર્ષ કરતાં ૨૪ ટકાનો વધારો થયો હોવાની જીસીએમએમએફના એમડી. ડૉ. આર.એસ. સોઢી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આ વિષય પર etv ભારત સાથે વિસ્તૃત ચર્ચા કરતાં જીસીએમએમએફના એમડી ડૉ. આર.એસ સોઢી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉન ચાલતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આવા ઇકોનોમિક સ્લો ડાઉનના સંજોગોમાં સૌથી પહેલી અસર માર્કેટમાં ખાણીપીણીની ચીજવસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થવાથી થતી હોય છે અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ કંપની છે જેનું ટર્નઓવર વાર્ષિક 52 થી 53 હજાર કરોડથી વધારે છે. અમૂલની પ્રોડક્ટનું વેચાણ ચાલુ વર્ષના શરૂઆતના પાંચ મહિનામાં ગત વર્ષની સરખામણીએ ૨૪ ટકા વધારે છે. જે સૂચવે છે કે ગ્રાહકોની ખરીદીની ક્ષમતા હજુ પણ જળવાઈ રહી છે અથવા તો વધવા પામી છે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી ડૉ. આર.એસ. સોઢીના જણાવ્યા અનુસાર દરેક ઇન્ડસ્ટ્રીએ એક ટાઈમ સાથે બદલાવ લાવવો પડે છે ગ્રાહકોની જરૂરિયાત તથા માંગ અને બજારના વલણ ઉપર ફેરફાર કરી તેમના ઉત્પાદનમાં જરૂરી બદલાવ લાવો તે બજારમાં સ્વસ્થ વ્યવહાર ચાલુ રાખવા અનિવાર્ય હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.