ન્યૂઝ ડેસ્કઃ ડોભાલ-વાંગ યી વચ્ચે વાતચીત થઈ હતી. ભારતે કહ્યું કે, વાસ્તવિક અંકુશ રેખાનું ચુસ્ત સન્માન કરો, ચીને કહ્યું પ્રાદેશિક અખંડતાનું રક્ષણ કરીશું.
વાસ્તવિક અંકુશ રેખાએ મડાગાંઠનાં આઠ સપ્તાહ અને ૧૫મી જૂનની રાત્રે ગલવાન ખીણ ખાતે ચીનના પીએલએ સાથે હિસંક અથડામણોમાં ૨૦ ભારતીય જવાનો વીર ગતિને પ્રાપ્ત થયાંના સપ્તાહો પછી યુદ્ધના તણાવમાં મર્યાદિત ઘટાડો શરૂ થયો છે. સરહદ પર મંત્રણા માટે બંને પક્ષોના વિશેષ પ્રતિનિધિઓએ વાતચીત કરી તેના એક દિવસ પછી આ સ્થિતિ આવી છે, તેમ વિદેશ મંત્રાલયે હવે પુષ્ટિ કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ અને સ્ટેટ કાઉન્સિલર તેમજ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ પાંચ જુલાઈ અને રવિવારે લગભગ બે કલાક સુધી ટેલિફૉન પર વાતચીત કરી હતી તેમ સૂત્રોએ જણાવતા કહ્યું હતું કે તેમણે લદ્દાખમાં પશ્ચિમી ક્ષેત્ર પર 'નિખાલસ અને ગહન મંતવ્યો'ની આપ-લે કરી હતી.
અગાઉ ગયા મહિને વિદેશ પ્રધાન જયશંકરે ગલવાન ખીણ ખાતે અથડામણો પછી વાંગ યી સાથે ફૉન પર વાત કરી હતી. બંને નેતાઓએ બાદમાં રશિયાના વિદેશ પ્રધાન સાથે કૉવિડ-૧૯ સહકાર પર આરઆઈસી (રશિયા-ભારત-ચીન) કાર્યમાળખા હેઠળ આભાસી બેઠક (વર્ચ્યુઅલ મીટિંગ) માં પણ ભાગ લીદો હતો. જોકે આરઆઈસીની કાર્યસૂચિમાં એલએસી વિવાદ પર દ્વિપક્ષીય વાતચીત નહોતી.
રવિવારની વાતચીતનું મહત્ત્વ વધી જાય છે કારણકે દોભાલ અને વાંગ યી સીમા વિવાદનો ઉકેલલ લાવવા માટે ખાસ નિમાયેલા વિશેષ પ્રતિનિધઇઓ છે. ચીનમાં પ્રવર્તમાન સરકારી અનુક્રમ મુજબ, રાજ્ય કાઉન્સિલર એ વિદેશ પ્રધાન કરતાં ઊંચા ક્રમનું પદ છે. દોભાલ યાંગ જૈચી સાથે વાત કી રહ્યા હતા જેઓ ચીનના રાજ્ય કાઉન્સિલર છે અને વર્ષ ૨૦૧૭ સુધી એસ.આર. હતા. વાંગ યી એક માત્ર વિદેશ પ્રધાન હતા. ભારતે બે વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતના માર્ગને પુનઃસક્રિય કરીને ઉચ્ચ રાજદ્વારી સ્તરે પ્રયત્ન કરવાનો હવે સંકેત આપ્યો છે. અધિકારીઓ મુજબ, બંને એ વાતે સંમત થયા હતા કે મતભેદોને વિવાદ ન બનવા દેવા જોઈએ અને ભારત અને ચીન સરહદે શાંતિ અને સ્થિરતા જાળવવા ટોચના રાજકીય નેતાઓ વચ્ચે જે સર્વસંમતિ પ્રવર્તે છે તેના પર પણ ભાર મૂક્યો હતો.
"તેઓ એ વાત પર સંમત થયા હતા કે શાંતિ અને સ્થિરતા પૂર્ણ રૂપે સ્થાપિત કરવા માટે ભારત અને ચીનના સરહદી વિસ્તારોમાં તણાવ ઘટાડવા અને એલએસી પર દળો વહેલામાં વહેલી તકે પાછા જાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ સંદર્ભમાં તેઓ વધુમાં એ વાતે પણ સંમત થયા હતા કે બંને પક્ષોએ એલએસી પર સૈન્ય તણાવ ઘટાડવાની ચાલી રહેલી પ્રક્રિયાને ત્વરિત રીતે પૂરી કરવી જોઈએ." તેમ ભારત સરકારનું સત્તાવાર નિવેદન કહે છે.
ભારતીય અધિકારીઓ મુજબ, બંને વિશેષ પ્રતિનિધિઓએ ભારત-ચીન સરહદી વિસ્તારોમાં 'તબક્કાવાર અને પગલાંવાર તણાવ ઘટાડવા' માટે ખાતરી આપવા સંમત થયા છે. આના પર અગાઉ પણ અનેક તબક્કામાં થયેલી સૈન્ય સ્તરની મંત્રણામાં સંમતિ દાખવાઈ હતી.
"તેમણે પુનઃખાતરી આપી કે બંને દેશો વાસ્તવિક અંકુશ રેખાને ચુસ્ત રીતે માન આપશે અને તેને જાળવી રાખે અને યથાવત્ સ્થિતિ બદલવા કોઈ એકપક્ષીય પગલુંં નહીં લે અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા ખોરવી શકે તેવો કોઈ પણ બનાવ ભવિષ્યમાં ન બને તે માટે એક સાથે કામ કરશે." તેમ આ ઔપચારિક નિવેદનમાં કહેવાયું હતું. આ નિવેદન પૂર્વીય લદ્દાખમાં કથિત રીતે એક પછી એક પગલામાં તણાવ ઘટાડવા કૉર્પ્સ કમાન્ડર સ્તરની મંત્રણામાં સંમતિ સધાઈ તેના પાંચ દિવસ પછી આવ્યું છે.
જો કે, સરહદે શાંતિ અને સ્થિરતા તેમજ બંને એશિયાઈ પડોશીઓના લાંબા ગાળાનાં વ્યૂહાત્મક સામાન્ય હિતો પર ભાર મૂકતાં, ચીનના વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદનમાં એલએસીનું 'ચુસ્ત રીતે સન્માન' કરવાનો કોઈ ઉલ્લેખ નથી. તેના બદલે છુપાયેલી ટીપ્પણીમાં ચીનનું નિવેદન એ વાત પકડી રાખે છે કે ગલવાન ખીણની હિંસા ભારતીય સૈનિકોએ આદરી હતી. "બહુ લાંબા સમય પહેલાંની વાત નથી. ભારત અને ચીનની સરહદના પશ્ચિમ ભાગમાં ગલવાન ખીણમાં જે થયું તે સ્પષ્ટ છે. ચીન તેના પ્રાદેશિક સાર્વભૌમત્વ તેમજ સરહદી વિસ્તાર અને શાંતિનું અસરકારક રક્ષણ કરવાનું શરૂ રાખશે." તેમ ચીનના નિવેદનમાં કહેવાયું હતું.
ભારતે ભારત-ચીન સીમા બાબતો પર પરામર્શ અને સંકલન માટે કામ કરતી વ્યવસ્થા (WMCC)ના કાર્યમાળખા હેઠળ રાજદ્વારી અને સૈન્ય સ્તરની મંત્રણા ચાલુ રાખવા પણ સંમતિ આપી છે. તેમની વાતચીતમાં, 'ઉપરોક્ત પરિણામો મેળવવા સમયબદ્ધ ઢબે જે મુદ્દે સંમતિ સધાઈ છે તેનો અમલ કરવા' સંમતિ આપી છે તેમ ભારતીય અધિકારીઓએ કહ્યું હતું. 'એમ પણ સંમતિ સધાઈ હતી કે બંને વિશેષ પ્રતિનિધિઓ દ્વિપક્ષીય સમજૂતીઓ અને શિષ્ટાચાર મુજબ ભારત-ચીન સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા પૂર્ણ અને ચિરસ્થાયી રૂપે સ્થાપિત કરવાનું સુનિશ્ચિત કરવા તેમની વાતચીત ચાલુ રાખશે." તેમ વિદેશ મંત્રાલયના નિવેદનમાં ઉમેરાયું હતું.
- સ્મિતા શર્મા