દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપ સરકાર રૂપ જોશ બતાવી રહી છે. દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા સત્તત પ્રચાર કરી રહ્યા છે. રવિવારના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીના કેન્ટ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે, તો તેઓ "મહા જન સંપર્ક અભિયાન " યોજશે. જે બાદ તેઓ શાંજે 6.45 વાગ્યે બુરાડીમાં ચૂંટણી રેલી યોજશે, ત્યારે બીજી બાજુ કેજરીવાલ સરકાર દ્વારા પણ આજે દિલ્હીમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગૃહ પ્રધાન અમિત શાહ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર એક સાથે એક મંચ પર જોવા મળશે.
આ અંગે મનોજ તિવારીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દિલ્હી પ્રભારી શ્યામ જાજૂ કસ્તૂરબાનગર વિધાનસભામાં, પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી તિમારપુર વિધાનસભામાં, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી છતરપુર વિધાનસભામાં, કેન્દ્રીય રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય ઉત્તમનગર વિધાનસભામાં, રાષ્ટ્રીય મહાપ્રધાન ડૉ. અનિલ જૈન છતરપુરમાં, રાષ્ટ્રીય મહાપ્રધાન ભૂપેન્દ્રસિંહ યાદવ જંગપુરા વિધાનસભામાં, રાષ્ટ્રીય મહાપ્રધાન મુરલીધર રાવ તિમારપુર વિધાનસભામાં અભિયાનની શરૂઆત કરશે.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દુષ્યંત કુમાર ગૌતમ શાહદરા વિધાનસભામાં, કેન્દ્રીય પ્રધાન ડૉ.હર્ષવર્ધન શાલીમાર બાગમાં, મીનાક્ષી લેખી કસ્તૂરબા નગરમાં, હંસરાજ હંસ રોહિણી વિધાનસભામાં, ગૌતમ ગંભીર ઓખલા વિધાનસભામાં, રાષ્ટ્રીય મહિલા મોરચા અધ્યક્ષ વિજયા રાહટકર કૃષ્ણા નગર વિધાનસભામાં, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીષ ઉપાધ્યાય માલવીય નગર વિધાનસભામાં અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધા મોહનસિંહ મટિયાલા વિધાનસભામાં મહાસંપર્ક અભિયાન ચલાવશે.
તિવારીએ જણાવ્યું કે, ભાજપ વિકાસના મુદ્દે દિલ્હીમાં ચૂંટણી લડી રહી છે. કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ અને યોજનાઓથી ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને લોકોને માહિતગાર કરશે. ભાજપે જે સંકલ્પપત્ર બહાર પાડ્યું છે. જેની વિસ્તૃત જાણકારી પણ મતદારોને અપાશે.
ગૃહ પ્રધાન અમિત શાહની જેમ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ મહાજન સંપર્ક અભિયાન અંતર્ગત ડોર-ટૂ-ડોર કેમ્પેન કરશે. તેઓ ગ્રેટર કૈલાશથી અભિયાનની શરૂઆત કરશે. આ ઉપરાંત રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની અને યોગી આદિત્યનાથ પણ ચૂંટણી સભા ગજવશે. દિલ્હીમાં ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ સતત એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. એક બાજુ આમ આદમી પાર્ટી સત્તા ટકાવી રાખવા પૂરુ જોર લગાવી રહી છે, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સત્તામાં આવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે.
મહત્વનું છે કે, દિલ્હીની કુલ 70 વિધાનસભા સીટો માટે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.