નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો છે. આ પત્રમાં વડાપ્રધાન મોદીએ ચીનમાં કોરોના વાયરસના કહેર મામલે ભારતના સહયોગની રજૂઆત કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લખેલા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને કારણે ચીનમાં થયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
આ ઉપરાંત ચીનના હુબેઈ પ્રાંતમાંથી ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં મદદ કરવા બદલ વડાપ્રધાન મોદીએ ચીનની પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે, ચીનના હુબેઈ પ્રાંતથી શરૂ થયેલા કોરોના વાયરસનો ચેપ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપને કારણે ચીનમાં 900 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 37 હજારથી વધુ લોકોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો છે.
ભારતમાં ત્રણ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે. રવિવાર 9 ફેબ્રુઆરી સુધીમાં અમેરિકા, જાપાન સહિત વિશ્વના 25થી વધુ દેશોના 334 લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે.