નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટમાં સંબોધન કરી કોરોના વાયરસ વિશે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ સરકારના CAA અને જમ્મુ-કાશ્મીર વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, દરેક યુગ આપણી પરીક્ષા માટે નવા પડકાર લઈને આવે છે અને આપણી એકજુટતાની ભાવનાને પરખવા અને મજબૂત કરવા માટે નવા પડકાર લાવે છે. આજે COVID-19 દુનિયા સામે એક મોટો પડકાર છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, એક એવો સમય હતો કે જ્યારે એક ખાસ વર્ગની ભવિષ્યવાણીઓ પ્રમાણે જ ચીજો ચાલ્યા કરતી હતી. જે સલાહ તેમણે આપી છે તે જ ફાઇનલ માનવામાં આવતી હતી. જોકે ટેકનિક વિકાસ અને વાતચીતના ‘લોકતંત્રીકરણ’થી હવે આજે સમાજના દરેક વર્ગના લોકોના વિચાર મહત્વ રાખે છે. આપણી ‘Collaborate To Create’ની ભાવનાની પરીક્ષા લેવા માટે અને તેને મજબૂત કરવા માટે દરેક યુગમાં નવા-નવા પડકારો સામે આવે છે. આજે COVID-19 નોવેલ કોરોના વાયરસ છે.
તેમણે વધુમાં કહ્યું કે, જે લોકો દુનિયાભરના શરણાર્થી અધિકારો માટે જ્ઞાન આપે છે, તે શરણાર્થીઓ માટે બનેલા CAAનો વિરોધ કરે છે. જે લોકો દિવસ-રાત સંવિધાનની દુહાઈ આપે છે તે આર્ટિકલ 370 જેવી અસ્થાયી વ્યવસ્થા હટાવી, જમ્મુ-કાશ્મીરમાંથી પુરી રીતે સંવિધાન લાગુ કરવાનો વિરોધ કરે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સામે માર્ગ હતો કે, પહેલાથી જે ચાલી રહ્યું છે તે જ માર્ગ પર ચાલીએ અથવા પોતાના નવો રસ્તો બનાવીએ. નવા દ્રષ્ટીકોણ સાથે આગળ વધીએ. અમે નવો માર્ગ બનાવ્યો છે. નવા દ્રષ્ટીકોણથી આગળ વધ્યા અને તેમાં સૌથી મોટી પ્રાથમિકતા આપી લોકોની મહત્વકાંક્ષાને. પીએમે કહ્યું હતું કે ડીબીટી દ્વારા અમે પહેલાની સ્થિતિમાં મોટો ફેરફાર લાવ્યા અને હજારો કરોડ રુપિયા ખોટા હાથમાં જવાથી બચાવ્યા. રેરા કાનૂન બનાવીને અમે રિયલ એસ્ટેટ સેક્ટરને બ્લેકમનીના બંધનથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો અને મધ્યમ વર્ગની પહોંચ, તેમના સપનાના ઘર સુધી બનાવી છે.