નવી દિલ્હી: આખું વિશ્વ હાલમાં કોરોના વાઇરસ સામે યુદ્ધ લડી રહ્યું છે. આ રોગ માટે હજી સુધી કોઈ દવા મળી નથી. આવી સ્થિતિમાં આ રોગની તપાસ અને નિયંત્રણ માટે પરીક્ષણ સૌથી વધુ જરૂરી છે. ભારતના તમામ ભાગોમાં કીટની ડિલિવરી પ્રાથમિકતા બની છે. કિટને સમયસર ઉપલબ્ધ કરાવવા માટે સરકાર તમામ પગલાં લઈ રહી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા દેશભરમાં દરરોજ આશરે 1 લાખ પરીક્ષણો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કાર્યમાં ફરી એક વાર 1,56,000 પોસ્ટ ઓફિસોના વિશાળ નેટવર્ક સાથે ઇન્ડિયા પોસ્ટ કોવિડ વોરિયર તરીકે સામે આવી છે.
ઈન્ડિયા પોસ્ટ, આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ડોર-ટૂ ડોર પર સતત પૈસા મોકલી રહી છે, હવે ઈન્ડિયા પોસ્ટ દ્વારા આઈસીએમઆર સાથે જોડાણ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા પોસ્ટ આઈસીએમઆરના 16 પ્રાદેશિક ડેપોથી દેશભરમાં ફેલાયેલી 200 કોવિડ લેબોરેટરીઓમાં કોવિડ ટેસ્ટ કીટ પહોંચાડશે.
કોવિડ કીટની સમયસર ડિલીવરી સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિયા પોસ્ટના કર્મચારીઓ ચોવીસ કલાક કામ કરે છે. ઘણી વખત આ કીટ રાત્રે 11:30 વાગ્યે પણ પહોંચાડવામાં આવી છે. ઉત્તર પૂર્વ જેવા રાજ્યોમાં પણ ઇન્ડિયા પોસ્ટ આ કીટને બને તેટલી વહેલી દૂરસ્થ વિસ્તારોમાં પહોંચાડે છે.