હૈદરાબાદ: બાળપણમાં રોગપ્રતિકારકતા સંબંધિત બિમારી HLH (હેમોફેગોસાઇટિક લિમ્ફોહિસ્ટિસાઇટોસિસ) દર્શાવવા માટે સિનસિનાટી ચિલ્ડ્રન્સ ખાતે વિકસાવાયેલું ટ્રાન્સજેનિક માઉસ કોવિડ-19 મહામારી દરમિયાન જીવન બચાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. દ્વિતીય તબક્કાના ચિકિત્સાકીય અભ્યાસોનો ડેટા જર્નલ ઓફ એલર્જી એન્ડ ક્લિનિકલ ઇમ્યુનોલોજીમાં પ્રકાશિત થયો છે.
આ અભ્યાસમાં કોરોના વાઇરસનું ઉદ્ભવસ્થાન ગણાતા ચીનના વુહાન પ્રાંતમાં 9મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરીની વચ્ચે કોવિડ-19ની ગંભીર સ્થિતિ ધરાવતા 43 હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓનો સમાવેશ થાય છે. આ બહુકેન્દ્રી અભ્યાસ વુહાન સ્થિત હુઆઝહોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ અને ટોંગજી મેડિકલ કોલેજની ટોંગજી હોસ્પિટલ ખાતેના ડિપાર્ટમેન્ટ ઓફ હિમેટોલોજીના એમડી, પીએચડી જિઆનફેંગ ઝોઉની આગેવાની હેઠળ હાથ ધરાયો હતો.
ઝોઉ કેન્સર એન્ડ બ્લડ ડિસીઝિસ ઇન્સ્ટિટ્યૂટના ભાગરૂપ સિનસિનાટી ચિલ્ડ્રન્સ HLH સેન્ટર ઓફ એક્સેલન્સના સહકર્મી તથા હુઆંગના લાંબાગાળાના સહયોગી છે.
રક્સોલિટિનિબનાં જોવા મળેલાં સકારાત્મક પરિણામો
રક્સોલિટિનિબ લઇ રહેલા દર્દીઓને કોવિડ-19ની સ્ટાન્ડર્ડ સારવાર ઉપરાંત એન્ટિ-ઇન્ફ્લામેટરી દવાનો પાંચ મિગ્રાનો ઓરલ ડોઝ આપવા માટે અનિશ્ચિત રીતે પસંદ કરવામાં આવ્યા હતા. અનિશ્ચિત રીતે પસંદ કરાયેલા 21 દર્દીઓના જૂથને સ્ટાન્ડર્ડ સારવાર સાથે પ્લેસિબો આપવામાં આવી હતી.
“રક્સોલિટિનિબ અપાઇ હોય, તેવા દર્દીઓની સ્થિતિમાં સંખ્યાની દ્રષ્ટિએ ઝડપી સુધારો જોવા મળ્યો હતો,” તેમ અભ્યાસના લેખકોએ અહેવાલમાં નોંધ્યું હતું.
“રક્સોલિટિનિબ લેનારા જૂથમાં ચેસ્ટ CTમાં નોંધપાત્ર સુધારો, લિમ્ફોપેનિયામાંથી ઝડપથી સાજા થવું અને આવકાર્ય આડ-અસર એ પ્રોત્સાહક તથા વ્યાપક માનવ વસ્તીમાં રક્સોલિટિનિની અસરકારકતા ચકાસવા માટેનાં ભાવિ પરીક્ષણો માટેનાં માહિતીપ્રદ પરિબળો હતાં.”
નિયંત્રણ જૂથની તુલનામાં રક્સોલિટિનિબની સારવાર આપવામાં આવી હોય, તેવા દર્દીઓની સ્થિતિમાં પ્રમાણમાં ઝડપથી સુધારો આવ્યો હતો. સંશોધકોએ નોંધ્યું હતું કે, નિયંત્રણ જૂથના 9 ટકા દર્દીઓની તુલનામાં રક્સોલિટિનિબ લેનારા 90 ટકા દર્દીઓના સીટી સ્કેનમાં 14 દિવસની અંદર સુધારો જોવા મળ્યો હતો. નિયંત્રણ જૂથના ત્રણ દર્દીઓનાં શ્વસન તંત્રની નિષ્ફળતાને પગલે મોત નીપજ્યાં હતાં. રક્સોલિટિનિબ મેળવનારા તમામ ગંભીર રીતે બિમાર દર્દીઓ બિમારીમાંથી ઊગરી ગયા હતા.
આ દવાના વધુ ક્લિનિકલ ટેસ્ટિંગ હાથ ધરાય, તે જરૂરી છે. ઇન્સાઇટ અને નોવાર્ટિસ દ્વારા પ્રમાણમાં વિશાળ તૃતિય તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ RUXCOVID હાથ ધરાઇ છે, જેમાં કોવિડ-19ના ગંભીર રીતે બિમાર 400 દર્દીઓ પર આ દવાનાં પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે, તેમ હુઆંગે જણાવ્યું હતું. અભ્યાસનો પ્રાથમિક તબીબી ડેટા ઊનાળા દરમિયાન રજૂ થાય, તેવી અપેક્ષા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
હુઆંગના જણાવ્યા મુજબ, “કોવિડ-19ની ગંભીર બિમારીમાં સાઇટોકિન સ્ટોર્મ અને ઇન્ફ્લેમેશનનું શમન કરવા માટે અસરકારક રીતે કાર્ય કરતી અમારા ધ્યાનમાં આવેલી આ પ્રથમ થેરેપી છે. વળી, રોજ બે ગોળી લેનારા દર્દી પર તેની કોઇ નોંધપાત્ર આડઅસરો જોવા મળી નથી.”
“લોકોને સંક્રમિત થવામાંથી ઊગારવા માટે પૂરતી અસરકારક રસી વિકસાવવામાં ન આવે અને તેનું વિતરણ કરવામાં ન આવે, ત્યાં સુધી આ દવા ઘણી મહત્વપૂર્ણ છે.”
‘સાઇટોકિન સ્ટોર્મ’નું શમન
કોવિડ-19ના ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓનાં શરીરોને રોગપ્રતિકારક વ્યવસ્થા દ્વારા જન્માવાયેલા ઇન્ફ્લામેટરી કોશોથી ભરી દેતું કથિત સાઇટોકિન સ્ટોર્મ એ ગૌણ HLH સામે લડી રહેલાં બાળકોમાં જોવા મળતું સામાન્ય લક્ષણ છે. જ્યારે HLHની પ્રારંભિક સારવાર કારગત ન નીવડે, ત્યારે આ સ્થિતિ ઉદ્ભવે છે. બંને બિમારી વચ્ચેની આ સમાન તબીબી લાક્ષણિકતા વિશ્વના મોટાભાગના વૈજ્ઞાનિક સમુદાય સાથે કોવિડ-19નો અભ્યાસ કરવામાં તથા ઇલાજ શોધવામાં વ્યસ્ત હુઆંગના ધ્યાન પર આવી હતી.
સાથે જ તેમણે એ પણ નોંધ્યું હતું કે, કોવિડ-19ની ગંભીર બિમારીની તબીબી અભિવ્યક્તિઓ લેબમાં હ્યુમન સેકન્ડરી HLHનું વિશ્વસનીય રીતે મિમિક કરવા માટે બનાવવામાં આવેલા ટ્રાન્સજેનિક લેબોરેટરી માઇસમાં દેખાયેલી અભિવ્યક્તિઓ સાથે સમાનતા ધરાવે છે. તે પ્રિક્લિનિકલ લેબોરેટરી સંશોધન સેકન્ડરી HLH ની સારવાર માટેની દવા રક્સોલિટિનિબની ઓળખ કરવામાં મદદરૂપ નીવડ્યું હતું. આ એન્ટિ-ઇન્ફ્લામેટરી દવા લ્યુકેમિયા સહિતની અન્ય રક્ત સંબંધિત બિમારીઓની સારવાર માટે પણ વપરાય છે.
“મેં વુહાનના અમારા સંશોધન ક્ષેત્રના સહકર્મીઓનો સંપર્ક સાધ્યો હતો અને અમારાં અવલોકનો વિશે સમજૂતી પૂરી પાડી હતી. મેં તેમને કોવિડ-19 બિમારીની ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓમાં મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેશનના સાઇટોકિન સ્ટોર્મને શાંત પાડવા માટે આ દવાની ભલામણ કરી હતી,” તેમ હુઆંગે જણાવ્યું હતું.
“આ બિમારી ઘણી ઝડપથી ફેલાઇ રહી હતી અને ઘણાં લોકોનાં મોત નીપજી રહ્યાં હતાં. અમારૂં માનવું હતું કે, વર્તમાન ક્લિનિકલ દવા જીવન બચાવવામાં ઉપયોગી નીવડશે. આથી, જ્યાં સુધી તમામ લોકો માટે અસરકારક રસી ન શોધાય, ત્યાં સુધી અમે આ દવાને આગળ ધપાવવા માટે કામગીરી કરી. ચીનમાં સહકર્મીઓ સાથેની કામગીરી ઘણી ઓછી સમય મર્યાદામાં સંપન્ન કરવામાં આવી હતી, કારણ કે વિશ્વભરના વિજ્ઞાનીઓ જાન્યુઆરીમાં આ મહામારી સામે લડવા માટે હાઇ એલર્ટ પર હતા,” તેમ હુઆંગે જણાવ્યું હતું.
ચીનમાં હુઆંગ તથા સંશોધકોએ અન્ય બિમારીઓને કારણે થયેલા ઇન્ફ્લેમેશનનું શમન કરવામાં પણ રક્સોલિટિનિબ અસરકારક નીવડી હોય તેવા અન્ય ક્લિનિકલ અભ્યાસો શોધ્યા હતા અને કોવિડ-19ના દર્દીઓ પરનાં પરીક્ષણો આગળ ધપાવ્યાં હતાં. JACI અભ્યાસ માટેનું સહાયક ભંડોળ હુબેઇ પ્રાંતના ઇમર્જન્સી રિસર્ચ પ્રોજેક્ટ – ટોંગજી હોસ્પિટલ, હુઆઝોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઇમર્જન્સી રિસર્ચ પ્રોજેક્ટના ભાગ તરીકે પ્રાપ્ત થયું હતું.