ભારત આજે ઉજવી રહ્યું છે, ચિલ્ડ્રન દિવસ. સૃષ્ટિનો દરેક જીવ એક સમયે બાળ અવસ્થામાં હોય છે. માનવથી લઈ અન્ય સજાતિ પ્રજાતિઓને બાળપણના એ રમણીય તબક્કામાંથી પસાર થાય છે. આ અવસ્થાને માણી લેવી અને તેમા ડૂબીને જીવી લેવું તે જ ખરું બાળપણ છે. બાળપણ જીવનની એ પળો છે જ્યાં કોઈ દુઃખની કે કોઈ સુખની ખબર હોતી નથી. ન તો કોઈ દુશ્મન હોય છે, ન કોઈ દોસ્ત હોય છે. ન કોઈ સ્પર્ધા હોય છે, ન તો કોઈ વિઝન હોય છે. આ બધું જો હોય તો પણ તે એક બાળબુદ્ઘિની રમતમાં હોય છે.
કેટલાય દેશોમાં અલગ-અલગ દિવસે ઉજવાય છે બાળદિવસ
આંતરરાષ્ટ્રીય બાળ દિવસ 20 નવેમ્બરે ઉજવાય છે. 1959માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં બાળકોના અધિકારોની જાહેરાત કરી હતી. બાળ અધિકારોને ચાર અલગ ભાગોમાં વહેંચાયા છે. જીવન જીવવાનો અધિકાર, સંરક્ષણનો અધિકાર, સહભાગિતાનો અધિકાર અને વિકાસનો અધિકાર. પરંતુ કેટલાય દેશમાં 20 નવેમ્બરની જગ્યાએ અલગ-અલગ દિવસે બાળ દિવસ ઉજવાય છે. કેટલાક દેશોમાં 1 જૂને બાળદિન ઉજવાય છે.
રાષ્ટ્રપતિ સહભાગિતા
દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં દેશભરમાંથી આવેતા ગણતરીના બાળકો સાથે રાષ્ટ્રપતિ મુલાકાત કરે છે. બાળ દિવસના અસરે રાષ્ટ્રપતિ બાળકોનું મનોબળ વધારે છે અને તેમને સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે. દેશના 11માં રાષ્ટ્રપતિ ડૉક્ટર એ.પી.જી. અબ્દુલ કલામ દેશના વિકાસ માટે બાળકોનો વિકાસ જરૂરી હોવાનું માનતા. તેમણે અનેકવાર સંદેશ આપ્યો છે કે દેશનો વિકાસ બાળકોના હાથમાં છે.
એક ફિલોસોફીમાં બાળપણને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
1. પ્રાથમિક બાળપણ
શૈશવવાવસ્થા પછી પ્રારંભિક અથવા પ્રાથમિક બાળપણ આવે છે અને બાળક લથડિયા ખાતું ચાલવા સાથે તેની શરૂઆત થતી હોય છે. તેના પછી બાળક બોલવાનું અને સ્વતંત્ર રીતે પગલાં ભરી ચાલવા લાગે છે. જ્યારે શૈશવાવસ્થા ત્રણ વર્ષની ઉમરમાં સમાપ્ત થાય છે, ત્યારે બાળક પોતાની પાયાની જરૂરિયાતો માટે માતા-પિતા પર ઓછુ નિર્ભર રહેવા લાગે છે, પ્રારંભિક બાળપણ સાતથી આઠ વર્ષ સુધી ચાલતું હોય છે. નાનાં બાળકોનાં શિક્ષણ માટે રાષ્ટ્રીય સંગઠન અનુસાર, પ્રારંભિક બાળપણની અવધિ જન્મથી આઠ વર્ષની ઉંમર સુધી હોય છે.
2.મધ્યબાળપણ
મધ્ય બાળપણ લગભગ સાત કે આઠની ઉમરે શરુ થાય છે, જે અનુમાનતઃ પ્રાથમિક શાળામાં જવાની ઉમર જેટલી છે.
3.કિશોરાવસ્થા
કિશોરાવસ્થાના બાળપણનો અંતિમ તબક્કો માનવામાં આવે છે, જેના બાદ યૌવનની શરૂઆત થાય છે. કિશોરાવસ્થાનો અંત અને વયસ્યકતાની શરૂઆતમાં દેશવાર અને ક્રિયાવાર ભિન્નતા હોય છે. આ કિશોરાવસ્થા મોટાભાગે બાર વર્ષથી 17 વર્ષના અંત સુધી ચાલે છે. આ વચ્ચે રાજ્ય અને પ્રદેશોની સંસ્કૃતિ ઉપરાંત બાળકનો ઉછેર અને તેની જવાબદારી પરથી તેના આગામી જીવનનો પાયો નંખાય છે. આ અવસ્થા દરમિયાન બાળક માતા-પિતા પાસેથી ઘણું
તો બાળપણ એ ખરા અર્થમાં ગ્રહણ અવસ્થા છે
મોટા ભાગે જન્મથી 17 વર્ષ સુધી બાળક અવસ્થા ચાલતી હોય છે, આ દરમિયાન કોઈ પણ બાળક સારા અને નરસા દરેક ગુણને ગ્રહણ કરે છે. કહેવાય છે કપરામાં કપરી પરિસ્થિતિમાં જો બાળકને સંઘર્ષની શીખ અપાય તો તે ભવિષ્યમાં ક્યારેય ખોટો રસ્તો પસંદ નહીં કરે. ઉપરાંત બાળકમાં માનવમૂલ્યોનું સિંચન પણ જરૂરી છે. જેથી જીવનમાં તે સારા નરસાની ઓળખ કરી શકે. કોઈ ખોટા કાર્ય કરતા પહેલા તે માનવમૂલ્યોનો આધાર ચકાશે. સમાજમાં વધતા જતા ગુના અને ક્રાઈમ રેટને અટકાવવી ઉત્તમ અને સૌહાર્દભર્યા સમાજના નિર્માણ માટે સારા સંસ્કારની ખૂબ જ જરૂરત હોય છે. બાળપણ એ ખરા અર્થમાં ગ્રહણ અવસ્થા પણ છે, જ્યાં તે સમાજ માટે એક સારો માનવી બનીને જીવવા માટે તૈયાર થાય છે. આ બાબત દરેક માતા-પિતાએ અને વડીલોએ સમજવી અને સમજાવવી ખૂબ જ જરૂરી છે.
બાળપણની અવસ્થા ક્યારેય પાછી નથી ફરતી. બાળઅવસ્થા પૂર્ણ થયા બાદ જીવનમાં અનેક જવાબદારીઓ માથે આવી ચઢે છે. જેમાં અનેક સંઘર્ષો કરવા પડે છે, સંઘર્ષની સાથે અનેક સમાધાન કરવા પડે છે. સમાધાનની સાથે જ ક્યાંક જીવનને માણી શકાતુ નથી. પરંતુ બાળપણ એ સમય છે, જ્યાં કોઈ સમાધાન નથી. સંઘર્ષ નથી. એટલે જ લોકો વારંવાર બાળપણની યાદોને વાગોળ્યા કરતાં હોય છે.