ભારતની ત્રણ બાજુએ દરિયાની હાજરી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની તક આપે છે. વિવિધ રાષ્ટ્રોને કાચું તેલ અને ખાદ્યાન્ન દરિયાઈ માર્ગે પૂરું પડાય છે. જળમાં કોઈ પણ અશાંતિની અસર વિશ્વભરના અર્થતંત્ર પર નકારાત્મક પડે છે. આથી નિષ્ણાતો સૂચવે છે કે સરકાર દેશના નૌ સેનાના જહાજોને મજબૂત કરે. દરિયા સાથે, ભારત પાસે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ જેવા ટાપુઓ પણ છે. વિદેશી જહાજોને ભારતની જળસીમામાં આવતા રોકવા માટે સતત નજર રાખવી જરૂરી છે. થોડા મહિના પહેલાં ચીનનું જહાજ અનુમતિ વગર આંદામાનમાં આવી ગયું હતું. ભારતની નૌ સેનાએ કડક પ્રતિકાર કર્યો તે પછી જ તે પાછું ગયું. એવી શંકા છે કે ઓછામાં ઓછી સાતથી આઠ ચીનની સબમરિન ભારતના સમુદ્રતટો પર નિયમિત નજર રાખી રહી છે.
આંદામાન દરિયો હિન્દ મહાસાગરના પૂર્વીય ભાગ અને મલક્કા જળડમરુ દ્વારા પ્રશાંત મહાસાગર સાથે જોડાય છે. આંદામાન ટાપુઓ ભારતને સંરક્ષણ નિરીક્ષણમાં મદદ કરે છે. ચીન મધ્ય એશિયામાંથી મલક્કા જળડમરુ દ્વારા તેનું તેલ આયાત કરે છે. ચીન દલીલ કરી રહ્યું છે કે ચીન સમુદ્ર તેનો પોતાનો છે જ્યારે હિન્દ મહાસાગર બધાનો છે. ચીન કે જે મોતી શ્રૃંખલા પરિયોજના હેઠળ ભારત આસપાસ નૌ સેના થાણાં બનાવી રહ્યું છે તેણે મ્યાનમારને નિકટનો સાથી બનાવી દીધો છે. ચીનની સરકારે મ્યાનમારના ક્યાઉકપ્યુમાંથી તેલ અને કુદરતી વાયુ ચીનના કુન્મિંગ પ્રાંતમાં પૂરું પાડવા પાઇપલાઇન નાખી છે. ચીનની યોજના જો મલક્કા જળડમરુમાં કોઈ અશાંતિ ઊભી થાય તો આ માર્ગે તેલ પૂરું પાડવાની છે. જોકે ભારતીય સેનાના સ્રોતને ખૂબ જ શંકા છે કે ચીન આંદામાન સમુદ્રમાં આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે જે ભારત, મ્યાનમાર, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા વચ્ચે આવેલો છે અને તેના પર તેને કોઈ અધિકારો નથી.
ભારતને મ્યાનમાર સાથે ગાઢ સંબંધો છે. ઈશાનના અનેક ત્રાસવાદી શિબિરો મ્યાનમારમાં છે. બંને દેશો અનેક ત્રાસવાદી સમૂહોને ઑપરેશન સનશાઇન હેઠળ નાબૂદ કરવા એકસાથે કામ કરી રહ્યા છે. મ્યાનમારના જળમાં ચીનનો પ્રવેશ નવી દિલ્હીને કંપારી આપી રહ્યો છે. ચીને પાકિસ્તાનના ગ્વાદર અને શ્રીલંકાના હમ્બતોતામાં સફળતાપૂર્વક તેનું નૌ સેના થાણું સ્થાપિત કરી લીધું છે અને હવે તે હિન્દ મહાસાગરમાં તેની હાજરી સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાન અને ભારતે ચીનનાં આક્રમણોને રોકવા ચતુર્ભુજ જોડાણ કર્યું છે. અમેરિકા માને છે કે ચીનનો પ્રતિકાર કરવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતે આ તકનો ફાયદો ઉઠાવવો જોઈએ અને તેના માટે નૌ સેનાને મજબૂત કરવી જોઈએ.
વિશ્વના તેલ પૂરવઠાના ૬૦ ટકા પૂરવઠો હૉર્મુઝના જળડમરુ દ્વારા પૂરો પડાય છે. અમેરિકા-ઈરાન વચ્ચે તંગ સંબંધોના પગલે, ભારતીય નૌ સેનાએ હિન્દ મહાસાગરમાં માલસામાનની સુરક્ષા વધારવા નિર્ણય કર્યો છે. ઑપરેશન સંકલ્પ હેઠળ, ભારતને પર્શિયાની ખાડીમાંથી માલસામાન પૂરો પાડતાં તમામ જહાજોની રક્ષા કરવામાં આવી રહી છે. અનેક પડકારોની વચ્ચે મામૂલી ખાતાવહી ફાળવણી ચિંતાનું સૌથી મોટું કારણ છે. લાંબી શ્રેણીની સુરક્ષા માટે ઓછામાં ઓછાં ત્રણ વિમાનવાહકોની જરૂર પડે છે પરંતુ અત્યારે માત્ર એક આઈએનએસ વિક્રમાદિત્ય જ પ્રાપ્ય છે. બીજું વાહક વિક્રાંત, જે સ્વદેશી ટૅક્નૉલૉજીથી બનાવાઈ રહ્યું છે તે વર્ષ ૨૦૨૧માં આવવા શક્યતા છે. નિષ્ણાતો સૂચવે છે કે ચીનના વધુ ઉત્સાહી આક્રમણોને ખાળવા હિન્દ મહાસાગરમાં વિમાન વાહક જહાજને કાયમી બદલવું જોઈએ. ભારતને પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રમાં ફેરવવાનું વડા પ્રધાન મોદીનું સપનું તો જ સંભવ બનશે જો આપણે સૈન્ય તાકાત બનીશું.
ભારત પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા અને આફ્રિકા વચ્ચે દરિયાઈ વેપારમાં વ્યૂહાત્મક રીતે આવેલું છે. આ કારણથી, નૌ સેનાએ સતત પોતાની જાતને સુધારતા રહેવું પડે. જહાજ નિર્માણ એ લાંબી અને જટિલ પ્રક્રિયા છે જેના માટે ભારે ભંડોળની જરૂર પડે છે. પરિયોજના-૭૫ના ભાગરૂપે છ સબમરિનો બનાવાશે, તેમાંની બે તો નૌ સેનાને ક્યારની સોંપાઈ ગઈ છે. તેની સાથે પરમાણુ શક્તિવાળી અરિહંત પણ છે. સંરક્ષણ નિષ્ણાતો મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગ રૂપે મોટા પાયે યુદ્ધ જહાજો બનાવવા ઈચ્છે છે.
અમેરિકાની ઈજારાશાહીનું કારણ તેનું મજબૂત અને અભેદ્ય નૌ સેના થાણું છે. આને સમજીને, ચીને યુદ્ધ જહાજોનું સઘન નિર્માણ હાથ ધર્યું છે. પાકિસ્તાન પણ તેના નૌ સેના જહાજોને આધુનિક બનાવી રહ્યું છે. ભારતીય નૌ સેનાને ઓછામાં ઓછા ૨૦૦ યુદ્ધ જહાજોની જરૂર છે. ભંડોળના અભાવ, સંસ્થાગત અવગણના અને ધીમી ચાલતી પરિયોજનાઓના કારણે, અત્યારે નૌ સેનાના જહાજો માત્ર ૧૩૦ જ છે. ૫૦ નવાં યુદ્ધ જહાજોનું નિર્માણ ચાલી રહ્યું છે. જોકે હજુ ૨૦ જહાજોનો અભાવ છે. મેક ઇન ઇન્ડિયાના ભાગ રૂપે અને પ્રોત્સાહનો પૂરા પાડીને કેન્દ્રએ ખાનગી કંપનીઓને જહાજ નિર્માણમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવી જોઈએ.