ન્યૂઝ ડેસ્કઃ કોલકતા હાઈકોર્ટે ઈટીવી ભારતના પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના સંવાદદાતાને રાહત આપતો હુકમ કરીને આગોતરા જામીન આપ્યા છે. સંવાદદાતા સામે ત્રણ ત્રણ જુદા આરોપો નોંધવામાં આવ્યા તે પછી હાઈ કોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું. સંવાદદાતા અભિષેક દત્તા રૉય ગેરકાયદે રેતીખનન સહિતના જુદા જુદા ક્ષેત્રમાં સત્તાધીશોની કેટલી બેદરકારી છે તેના અહેવાલો સતત આપતા રહ્યા હતા. તેમની સામે અધિકારીઓએ ફોજદારી કેસ ઊભા કરી દીધા હતા. આગોતરા જામીન આપતી વખતે અદાલતે નોંધ્યું હતું કે પત્રકારના અવાજને દબાવી દેવા માટેની કોશિશ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
પત્રકારના અવાજને દબાવી દેવાની કોશિશ થઈ રહી છે તેવા અવલોકન સાથે આ રીતે કોલકાતા હાઈ કોર્ટે અગત્યનો હુકમ આપ્યો હતો.
કોલકાતા હાઈકોર્ટે ETV ભારતના રિપોર્ટરને આપ્યા આગોતરા જામીન કોલકતા હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિઓ સૌમેન સેન અને બિબેક ચૌધરીએ આ ચૂકાદો આપ્યો હતો. ઈટીવી ભારતના સંવાદદાતા અભિષેક દત્તા રૉય સામે સૌ પ્રથમ કેસ દાખલ થયો તે વખતે તેઓ એક અકસ્માતની ઘટનાનું કવરેજ કરી રહ્યા હતા. પોલીસ વાને એક રાહદારી શેખ શફિકુલને બોલપુર બાયપાસ પાસે ટક્કર મારી હતી. પોલીસ રેતીની દાણચોરી કરનારી ટ્રકનો પીછો કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.અરજીમાં જણાવ્યા અનુસાર પોલીસ ટ્રકની પાછળ પડી હતી કેમ કે, રેતી માફિયા પાસેથી પોલીસ કમિશન પડાવવા માગતી હતી. દરમિયાન પોલીસ વાનના બેફામ ડ્રાઇવિંગને કારણે રાહદારીને ટક્કર વાગી અને બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના વિશે અહેવાલ માટે કોશિશ કરી ત્યારે બોલપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો.આ અરજીને સાંભળીને હાઈ કોર્ટની બેન્ચે જણાવ્યું કે, "સમાચારો આપવાનું કામ, કે જે સત્તાધીશોને સ્વીકાર્ય ના હોય, પણ તે કામ કરવું એ કોઈ પણ પત્રકારનો મૂળભૂત અધિકાર છે. એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી કે પોલીસ લાંચ લે છે તેની નોંધ લેવાતી રહી છે અને તેના સમાચારો પ્રસારિત થતા રહ્યા છે. અમને લાગે છે કે રિપોર્ટરના અવાજને દબાવી દેવા માટે અરજદાર સામે આ કેસ દાખ કરી દેવામાં આવ્યો છે."આ ઉપરાંત બેન્ચે બોલપુરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને આદેશ આપ્યો કે ઈટીવીના રિપોર્ટર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવે. પોલીસ ઉઘરાણું કરવાનું કામ કરે છે તેવો અહેવાલ રિપોર્ટરે આપ્યો છે તેની પણ તપાસ કરવી. આ બાબતમાં જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાં.રૉયે બીજો એક અહેવાલ મે 2020માં આપ્યો હતો, જેમાં અજોય નદીમાં ગેરકાયદે રીતે ચાલતા રેતીખનનનો મામલો હતો. નદીના પટમાંથી રેતી ઉપાડવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવાની તંત્રે સખત મનાઈ કરેલી છે.આ વિશે બિરભૂમ જિલ્લા મેજિસ્ટ્રેટ મૌમિતા ગોદરા બસુ સાથે વાતચીત કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે તંત્ર દ્વારા આ બાબતમાં યોગ્ય કરવામાં આવશે. આ મામલે કોઈ ઢીલ હશે તો જરૂરી પગલાં લેવાશે તેવું જણાવાયા બાદ રૉયે અહેવાલ આપ્યો હતો.બાદમાં ઇલમબજાર પોલીસ સ્ટેશનમાં રૉય સામે કેસ નોંધી દેવામાં આવ્યો હતો.અરજી સાંભળ્યા બાદ હાઈ કોર્ટે જણાવ્યું કે, તપાસ માટેની પ્રક્રિયા હેઠળ અરજદારને આઈપીસીની કલમ 41A હેઠળ નોટિસ આપવામાં આવી નથી. નોટિસ હેઠળ જણાવવું જરૂરી હોય છે કે તપાસ માટે અરજદારની હાજરી જરૂરી છે."સમાજમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે જાહેર જનતાની જાગૃત્તિ માટે તેને જાહેર કરવી એ પ્રેસ રિપોર્ટર પાસે અપેક્ષિત હોય છે. આવા યોગ્ય અખબારી અહેવાલોને કારણે ગુનેગારો સામે કામ ચલાવવામાં વહિવટીતંત્રને સહાય મળતી હોય છે." એમ હાઈ કોર્ટે નોંધ્યું હતું. અદાલતે વધુમાં જણાવ્યું કે આ તબક્કે અહેવાલ પ્રસિદ્ધ થયો છે તે સાચો છે કે ખોટા તેમાં નથી પડતી, પરંતુ જે અહેવાલ પ્રગટ થયો છે અને ફરિયાદમાં ગુનાનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે જોતાં ભાગ્યે જ એવું લાગે છે કે તપાસ કરવા માટે અરજદારને કસ્ટડીમાં લેવાની જરૂર પડે.ત્રીજો કેસ ફેબ્રુઆરી 2019નો છે, જ્યારે રૉયે વાંધાજનક ફોટોશૂટનો અહેવાલ આપ્યો હતો. બોલપુરના સોનાજપુર જંગલના રિસોર્ટમાં વાંધાજનક ફોટોશૂટ ચાલી રહ્યું હતું. આ બાબતમાં સત્તાધીશોની બેકાળજી સામે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. જોકે આવું કશું ના થયાનું રિસોર્ટના માલિકોએ જણાવ્યું હતું. આ બાબતમાં રૉય સામે એવો ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો કે તેમણે જે સમાચાર આપ્યા તે રિસોર્ટની બદનામી કરવા માટે હતા. આ ફરિયાદના આધારે શાંતિનિકેતન પોલીસ સ્ટેશને આઈપીસીની કલમ 41A હેઠળ ઈટીવી ભારતના સંવાદદાતાને તપાસ માટે બોલાવ્યા હતા.કોલકાતા હાઈ કોર્ટે જણાવ્યું કે અરજદારે જે અહેવાલ પ્રગટ કર્યો છે તેને જોતાં એવું લાગે છે કે આમાં કોઈ ફોજદારી કૃત્ય ઈટીવી ભારતના સંવાદદાતા દ્વારા થયું લાગતું નથી. આથી અદાલતે અરજદારને આગોતરી જામીન આપવાનું વલણ લીધું હતું.