ન્યૂઝડેસ્ક : કોવિડ-19 એ એક અદ્રશ્ય શત્રુ સાથેની લડાઇ છે.આપણામાંથી કોઇને ખબર નથી કે શત્રુ કઇ દિશામાંથી ત્રાટકશે...
આવી પરિસ્થિતિમાં, આપણામાંની દરેક વ્યક્તિએ આ દુષ્ટ વાઇરસના ઘાતકી હુમલા સામે સ્વયંનું રક્ષણ કરવા માટે સજ્જ રહેવું જોઇએ. ખાસ કરીને આપણે આપણું શરીર આ વાઇરસનો સામનો કરવા માટે અને વળતો હુમલો કરવા માટે સક્ષમ છે કે કેમ, તેનું આત્મમંથન કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. વળી, વાઇરસનો પ્રતિકાર કરવાની આપણી ક્ષમતા વધારવા માટે આપણે કયાં પગલાં ભરી રહ્યાં છીએ? - તેના પર પણ ધ્યાન આપવું જોઇએ.
ડો. મડ્ડીપતિ ક્રિષ્ના રાવ અમેરિકાના ડેટ્રોઇટ સ્થિત એક અગ્રણી વિજ્ઞાની છે. તેઓ જણાવે છે કે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવી એ કોરોના વાઇરસ મહામારીનો પ્રતિકાર કરવા માટેનો એકમાત્ર ઉપાય છે. ડો. ક્રિષ્ના રાવ વેઇન સ્ટેટ યુનિવર્સિટી ખાતે એસોસિએટ પ્રોફેસર અને લિપિડોમિક કોર ફેસિલિટીના ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે.
ડો. ક્રિષ્ના રાવ ફેટ્ટી એસિડ્ઝ પર સઘન સંશોધન કરી રહ્યા છે. ઇન્ફ્લેમેશન વધારવા અને ઘટાડવા માટે ફેટ્ટી એસિડ્ઝનો ઉપયોગ કરી શકાય છે. ડો. ક્રિષ્ના રાવ જણાવે છે કે, ઓમેગા- 3 ફેટ્ટી એસિડયુક્ત આહાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માનવ સમુદાયમાં જોવા મળતી મોટાભાગની બિમારીઓ પાછળનું કારણ વધી ગયેલું ઇન્ફ્લેમેશન (પ્રદાહ) હોય છે. કોરોનાને કારણે થતાં 5થી 10 ટકા મૃત્યુ પણ આ સ્થિતિને કારણે જ નીપજે છે. ઇટીવી ભારત સાથેના ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં ડો. ક્રિષ્ના રાવે વિવિધ પ્રકારના પ્રશ્નોના જવાબ આપ્યા હતા, જેમાં – ઇન્ફ્લેમેશન એટલે શું, આ ઇન્ફ્લેમેશન અને કોરોના વચ્ચે શું સબંધ છે, રોગપ્રતિકારક શક્તિ એટલે શું અને માનવીમાં રોગપ્રતિકારક શક્તિનું સ્તર વધારવા માટેની પદ્ધતિઓ કઇ-કઇ છે, માનવીમાં ઇન્ફ્લેમેશન નિયંત્રિત કરવામાં ફેટ્ટી એસિડ શું ભૂમિકા ભજવે છે, વગેરેનો સમાવેશ થાય છે... તેમણે આપેલા જવાબોના અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છેઃ
રિપેર / ઇલાજ (હિલીંગ)ની પ્રક્રિયા
જ્યારે શરીરને ઇજા પહોંચી હોય, ત્યારે શરીરમાં મોજૂદ શ્વેત કણો મૃત કોશોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. વળી, જ્યારે વાઇરસ અને બેક્ટેરિયા જેવા પેથોજિન્સ પણ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે આ શ્વેત કણો પેથોજિન્સને શરીરની બહાર ધકેલી દે છે. બંને કિસ્સામાં, હિલીંગ (ઉપચાર) અને પેથોજિન્સને બહાર ફેંકી દેવાની આ પ્રક્રિયા ઇન્ફ્લેમેશન તરીકે ઓળખાય છે. તે શરીરના નુકસાનગ્રસ્ત થયેલા ભાગનો ઇલાજ કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને નકારાત્મક દ્રષ્ટિએ ન જોવી જોઇએ. જો આ પ્રક્રિયા નહીં થાય, તો શરીર કોઇપણ પ્રકારની બાહ્ય કે આંતરિક ઇજા તરફ પ્રતિક્રિયા નહીં કરે. ઇન્ફ્લેમેશન મુખ્યત્વે ચાર લક્ષણો ધરાવે છેઃ સોજો / ઇન્ફ્લેમેશન, દુખાવો, લાલાશ અને તાવ.
હાનિકારક પેથોજિન્સ પર નજર રાખવી
જ્યારે વાઇરસ અને હાનિકારક બેક્ટેરિયા જેવાં સૂક્ષ્મ જીવો શરીરની અંદર પ્રવેશ કરે છે... ત્યારે શ્વેત રક્ત કણો તરત જ મેદાનમાં આવી જાય છે અને તે બાહ્ય હુમલાખોરો પર આક્રમણ કરે છે. લાલ રક્ત કણો માત્ર એક જ પ્રકારના હોય છે. જ્યારે, શ્વેત રક્તકણોના ઘણા પ્રકારો હોય છે. દરેક પ્રકારના શ્વેત રક્તકણો જુદાં-જુદાં કાર્યો કરે છે. કેટલાક શ્વેત રક્તકણો અમુક વાઇરસનો નિકાલ કરી નાંખે છે, તો કેટલાક કોશો વાઇરસને ખંડિત કરીને તેનું વિસર્જન કરવાનું કાર્ય કરે છે. જ્યારે કેટલાક કોશો શરીરના હાનિગ્રસ્ત અંગમાં ચોક્કસ કામગીરી કરે છે. શરીરના જુદા-જુદા ભાગોમાં વિવિધ પ્રકારના શ્વેત રક્ત કણો ગોઠવાયેલા હોય છે, જેમકે, ફેફસાંમાં, પાચન વ્યવસ્થામાં, વગેરે અને તેઓ તેમની સંબંધિત કામગીરી કરે છે.
બ્લિચિંગ પાઉડર કરતાં પણ વધુ ખતરનાક...
માનવ શરીરમાં પ્રવેશેલા હાનિકારક સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે શરીરની અંદર એક વિશાળ કાર્યશીલ પ્રક્રિયા હાથ ધરાય છે. સૌપ્રથમ તો, ઓમેગા- 6 ફેટ્ટી એસિડ્ઝ પ્રોસ્ટેગ્લેન્ડિન્સ અને લ્યુકોટ્રાઇનિઝ નામનાં સંયોજનો (કમ્પાઉન્ડ્ઝ) છોડીને કામગીરી શરૂ કરે છે. આ કમ્પાઉન્ડ્ઝથી શ્વેત રક્ત કણો આકર્ષાય છે. ત્યાર બાદ તરત જ શ્વેત રક્ત કણોનો એક પ્રકાર મેદાનમાં આવી જાય છે. આ શ્વેતકણો અન્ય શ્વેત કણોને આકર્ષવા માટે સાઇટોકિન્સ નામનાં પ્રોટીનના અણુઓ છોડે છે. સાઇટોકિન્સના પણ ઘણા પ્રકારો છે. સાઇટોકિન્સ છોડવા પાછળનો હેતુ શરીરના જે ભાગમાં સમસ્યા ઉદ્ભવી હોય, તે અંગમાં કામ કરી રહેલા શ્વેત રક્ત કણોને આકર્ષવાનો છે. શ્વેત રક્તકણો આવે છે અને સૂક્ષ્મ જીવોને તોડીને છિન્ન-ભિન્ન કરી નાંખે છે. તેઓ હાનિકારક સૂક્ષ્મ જીવોનો નિકાલ કરવાની અને તેમનું વિસર્જન કરવાની પ્રક્રિયાના ભાગરૂપે અત્યંત શક્તિશાળી અને ઘાતક રસાયણો છોડે છે. શ્વેત કણો દ્વારા છોડવામાં આવેલાં આ રસાયણો આપણે ઘરની સફાઇ માટે જે બ્લિચીંગ પાઉડરનો ઉપયોગ કરીએ છીએ, તેના કરતાં અનેકગણાં વધુ ઝેરી હોય છે. આથી, ઘણી વખત તે રસાયણો માનવ શરીરના સામાન્ય કોશોને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા ઇન્ફ્લેમેશન તરીકે ઓળખાય છે.
ઇન્ફ્લેમેશન ઘટાડી શકતાં પરિબળો
હાનિકારક સૂક્ષ્મ જીવોનો નાશ કરવાની પ્રક્રિયામાં ઇન્ફ્લેમેશન (પ્રદાહ) તેના સર્વોચ્ચ સ્તર પર પહોંચે છે. જ્યારે ઘા રૂઝાઇ ગયો હોય તેમ જણાય, ત્યારે ઇન્ફ્લેમેશન જેના કારણે ઉદ્ભવ્યું હોય, તે શ્વેત રક્ત કણો ધીમે-ધીમે તેમનો દેખાવ બદલવા માંડે છે. શ્વેત રક્ત કણો ફરી તેમનો આકાર ધારણ કરે તે પ્રક્રિયામાં ઓમેગા- 3 ફેટ્ટી એસિડ્ઝ મદદરૂપ થાય છે. ફેટ્ટી એસિડ્ઝ દ્વારા જે કેટલાક પ્રકારના ઘટકો છોડવામાં આવે છે, તે ઇન્ફ્લેમેશન ઘટાડી શકે છે. આ પ્રક્રિયા ‘ઇન્ફ્લેમેશન રિઝોલ્યુશન’ અથવા તો ‘ઓમેગા- 3 ફેટ્ટી એસિડ રિઝોલ્યુશન’ તરીકે ઓળખાય છે. કેટલાક કિસ્સાઓમાં માનવ શરીરની અંદર ઓમેગા- 3 ફેટ પૂરતા પ્રમાણમાં ન હોય અથવા તો જો શરીરમાં ઇન્ફ્લેમેશનને નિયંત્રિત કરી શકે, તેવાં ઘટક દ્રવ્યોને છોડવામાં સમસ્યા હોય, તો તેવી સ્થિતિમાં ઇન્ફ્લેમેશનની પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહે છે. અને આ સ્થિતિ જે-તે વ્યક્તિના આરોગ્યમાં અન્ય ઘણી જટિલતાઓ નોતરી શકે છે.
સાઇટોકિન્સમાં ઊછાળો
શરીરમાં અનિયંત્રિત ઇન્ફ્લેમેશનનાં ઘણાં જોખમો રહેલાં છે. ઇન્ફ્લેમેશન પર નિયંત્રણના અભાવે હૃદય રોગ, કેન્સર અને આર્થરાઇટિસ જેવી ઘણી બિમારીઓ ઉદ્ભવે છે. આ બિમારીઓ ક્રોનિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ તરીકે ઓળખાય છે. જો કેન્સરના પ્રત્યેક 100 દર્દીઓમાંથી પાંચ દર્દીઓ આનુવંશિક રીતે પ્રભાવિત હોય, તો બાકીના 95 ટકા લોકોને આ બિમારી માત્ર કોઇને કોઇ પ્રકારના ઇન્ફ્લેમેશનને કારણે જ થઇ હોય છે!! જ્યારે કોવિડ-19ના દર્દીઓની વાત આવે, ત્યારે તેનો ભોગ બનેલા આશરે 90-95 ટકા દર્દીઓમાં દર્દીના શરીરમાં મોજૂદ શ્વેત રક્ત કણો વાઇરસનો ખાત્મો બોલાવવામાં સફળ રહે છે અને આ પ્રક્રિયામાં દર્દીની રોગપ્રતિકારક શક્તિનું સ્તર પણ ઊંચું હોય છે. જોકે, બાકીના 5-10 ટકા દર્દીઓ અનિયંત્રિત ઇન્ફ્લેમેશનનો શિકાર બની જાય છે, જે ચિંતાનું કારણ બને છે, કારણ કે તેવી સ્થિતિમાં દર્દીનું મૃત્યુ નીપજવાની શક્યતા ઘણી વધી જાય છે. આવા દર્દીઓમાં શરીરમાં ઇન્ફ્લેમેશનની પ્રક્રિયામાં યોગદાન આપતાં સાઇટોકિન્સ ઊછાળા તરીકે છોડવામાં આવે છે. આ પ્રક્રિયા ‘સાઇટોકિન સ્ટોર્મ’ તરીકે ઓળખાય છે.
જલીય વનસ્પતિ અને ઓમેગા 3
માનવ શરીરનાં તમામ અવયવોમાં ઓમેગા– 3 ફેટ્ટી એસિડ્ઝ પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં, માનવ મસ્તિષ્કમાં તે ઘણી વધુ માત્રામાં જોવા મળે છે. આથી, તેમનું સર્જન કરવાની ક્ષમતા માનવ શરીર પાસે ઘણી જ ઓછી છે. માતાના દૂધમાં તે વિપુલ માત્રામાં હોય છે તેમજ માછલી અને ફિશ ઓઇલની કેપ્સ્યુલ્સનું સેવન કરવાથી તે મળી રહે છે.
નીચેનાં પગલાં હાથ ધરી શકાયઃ
* રોજિંદા ધોરણે, ફિશ ઓઇલની એક કેપ્સ્યુલ તથા અન્ય મલ્ટિ-વિટામિન્સનું સેવન કરવું.
* હળદર એન્ટિ-ઇન્ફ્લામેટરી ગુણો ધરાવે છે. જો કે, તેનું સેવન અઢળક માત્રામાં નહીં, બલ્કે સામાન્ય માત્રામાં કરવું જોઇએ. ફ્લેક્સ સીડ્સ (અળસી)માં પણ ઓમેગા- 3 ફેટ રહેલું હોય છે.
* તમારા શરીરને પરસેવો વળે, તે માટે રોજ 20-30 મિનિટ સુધી કસરત કરવી.
* બાષ્પીભવનથી શ્વસન માર્ગ એ રીતે ખુલી જાય છે કે, જેથી ફેફસાંને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. શ્વેત રક્ત કણો સક્રિય રહે, તે માટે ઓક્સિજન મળવો જરૂરી છે.
* તાવ આવે, તે સ્થિતિમાં પેરાસિટામોલ લેવી જોઇએ. ‘નોન-સ્ટિરોઇડલ એન્ટિ-ઇન્ફ્લામેટરી ડ્રગ્ઝ’નો ઉપયોગ કરવો હિતાવહ નથી. ડોક્ટર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવ્યું હોય, તો જ એસ્પિરિન લેવી જોઇએ.
સુપર પાવર શું છે?
લિમ્ફોસાઇટ્સ તરીકે ઓળખાતા શ્વેત રક્ત કણો માનવ શરીરની અંદર પ્રવેશનારા વાઇરસનું દોહન (ડાઇજેસ્ટ) કરે છે. જ્યારે આ જ વાઇરસ ફરી વખત શરીરમાં પ્રવેશ કરે, ત્યારે આ કણો તરત જ તેને ઓળખી લે છે અને આ વાઇરસથી થનારા નુકસાન સામે શરીરને રક્ષણ પૂરું પાડવા માટે એન્ટિબોડીઝ તરીકે ઓળખાતાં વધુ પ્રોટીન્સ બનાવે છે. જ્યારે શરીર ફરી વખત સમાન પ્રકારના વાઇરસથી સંક્રમિત થાય છે, ત્યારે આ એન્ટિબોડીઝ તે વાઇરસને શોધી કાઢે છે અને તે શરીરમાં પ્રવેશે, તે સાથે તરત જ તેના પર હુમલો કરે છે. ત્યાર બાદ આ વાઇરસને એવા પ્રકારના શ્વેત રક્ત કણો સુધી પહોંચાડવામાં આવે છે, જે તેમને પાચનક્રિયાના માર્ગ તરફ લઇ જાય છે અને ત્યાંથી તેનું વિસર્જન કરે છે. આથી જ, જ્યારે શરીર એક વાઇરસથી સંક્રમિત થાય, અને ફરી વખત તે જ વાઇરસથી સંક્રમિત થાય, તો વ્યક્તિને તેનું જોખમ રહેતું નથી. આ સ્થિતિ રોગપ્રતિકારકતા તરીકે ઓળખાય છે.
રસીકરણનું કારણ...
રસીકરણ ફક્ત વાઇરસ સામેની રોગપ્રતિકારકતા વધારવા માટે જ કરવામાં આવે છે. બેઅસર વાઇરસને રસીકરણની પ્રક્રિયા મારફત શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ નિષ્ક્રિય વાઇરસ આપણને કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. જોકે, આપણાં શરીરના શ્વેત રક્ત કણો તેને શોધી કાઢે છે અને તરત જ એન્ટિબોડી બનાવવાના કામમાં લાગી જાય છે. આમ, આપણું શરીર જે-તે વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિનું સર્જન કરે છે. આથી, એક વ્યક્તિના શરીરમાં બનેલાં એન્ટિબોડીઝ સમાન વાઇરસ દ્વારા સંક્રમિત હોય તેવી અન્ય વ્યક્તિમાં દાખલ કરી શકાય છે. જોકે, આ એન્ટિબોડીઝ અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં કાયમી ધોરણે નહીં, બલ્કે માત્ર કામચલાઉ ધોરણે જ રોગપ્રતિકારકતાનું રક્ષણ પૂરું પાડી શકે છે. એક વાઇરસને શોધવા માટે એક (સિંગલ) એન્ટિબોડી પૂરતું છે. તેમ છતાં, તમારૂં શરીર સમાન વાઇરસ માટે ઘણાં જુદાં-જુદાં એન્ટિબોડીઝ તૈયાર કરતા કોશો બનાવે છે. આમ, આ રીતે તૈયાર થયેલાં એન્ટિબોડીઝ સામાન્યપણે સમગ્ર જીવનકાળ દરમિયાન શરીરમાં રહેતાં હોય છે.
એન્ટિબાયોટિક્સ દવાઓ કારગત નીવડતી નથી
* હાલના તબક્કે કોરોનાવાઇરસની સારવાર માટે કોઇ દવા ઉપલબ્ધ નથી. એન્ટિબાયોટિક્સ દવાઓ કોઇપણ વાઇરસની સારવાર કરી શકતી નથી. સામાન્યપણે, કોરોનાથી સંક્રમિત શરીરને નબળું થતું અટકાવવા માટે અને અન્ય બેક્ટેરિયલ ઇન્ફેક્શનોનો વિકાસ અટકાવવા માટે જ એન્ટિબાયોટિક્સ લેવાની સલાહ આપવામાં આવે છે. હાથને સ્વચ્છ રાખવા, સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કરવો અને રોગપ્રતિકારક શક્તિ વધારતો ઓમેગા- 3 ફેટ્ટી એસિડ્ઝયુક્ત આહાર લેવાથી જ કોરોના મહામારીનો સામનો કરવાની તમારી ક્ષમતામાં વધારો થશે.
* કોરોનાવાઇરસમાં જિનેટિક ફેરફારો ઝડપી ગતિએ આકાર પામે છે. તે જીવંત કોશ નથી. કોરોના વાઇરસ જ્યારે અન્ય કોઇ જીવંત કોશમાં પ્રવેશ કરે, ફક્ત ત્યારે જ તે જીવિત થાય છે. માનવ ત્વચા આવા વાઇરસનો પ્રતિકાર કરવાની શક્તિ ધરાવે છે. પરંતુ આ વાઇરસ મોં, નાક, આંખ અને કાન દ્વારા પ્રવેશ કરે, ત્યાર પછી સીધો જ લોહી સાથે ભળે છે.
* જો કોરોના વાઇરસ સીધો જ માનવીની પાચન વ્યવસ્થામાં જતો રહે, તો તેનાથી કશું જ નુકસાન થતું નથી. જોકે, મોંમાં પ્રવેશ્યા બાદ રક્તમાં ભળ્યા વિના સીધા જ પાચન માર્ગમાં જવાની કોઇ શક્યતા નથી. વાઇરસ રક્તમાં પ્રવેશ કરે, ત્યારે જ ઇન્ફ્લેમેશન વધે છે.
* માનવ શરીર જ્યારે પ્રથમ વખત વાઇરસથી સંક્રમિત થાય, ત્યારે શરીરની અંદર એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે. જ્યારે પણ તે વાઇરસ સમાન વ્યક્તિને પુનઃ સંક્રમિત કરે, ત્યારે આ એન્ટિબોડીઝ હુમલો કરવા માટે અને વાઇરસને હાંકી કાઢવા માટે તૈયાર હોય છે.