કોલકાત્તા: ભારતીય જનતા પાર્ટીના હેમતાબાદના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રેની સોમવારે રહસ્યમય સંજોગોમાં થયેલી મોતના વિરોધમાં પક્ષે મંગળવારે ઉત્તર બંગાળના જિલ્લાઓમાં 12 કલાકના બંધનું એલાન કર્યું છે. પક્ષે આ મામલે CBI તપાસની પણ માગ કરી છે. સોમવારે સવારે દેવેન્દ્રનાથ તેમના ગામના સ્થાનિક બજાર નજીક અને ઘરથી થોડા દૂર લટકેલી હાલતમાં મળ્યા હતા.
રે 2019 માં ભાજપમાં જોડાયા હતા. આ અગાઉ, 2016 માં, તેઓ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ની ટિકિટ પર ચૂંટાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું, "અમે આ ઘટનાની CBI તપાસની માગણી કરીએ છીએ. અમે મૃતદેહના પોસ્ટ મોર્ટમની સંપૂર્ણ વીડિયોગ્રાફીની માગ કરીએ છીએ. જેથી દરેક પાસા રેકોર્ડ થઇ શકે."
દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, મૃતકના શર્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં બે લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે નામો જણાવવાથી ઇનાકર કર્યો હતો. મૃતક ભાજપ ધારાસભ્યના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે રેની રાજકીય કારણોસર હત્યા કરવામાં આવી છે અને આ મામલે કડક તપાસની માગ કરી છે.રાજ્ય ભાજપના નેતાઓએ કહ્યું કે લોકોનો સ્પષ્ટ મત છે કે તેઓને પહેલા તેમની હત્યા કરાઇ પછી તેમને તેમના ગામમાં લટકાવવામાં આવ્યા હતા.
આસનસોલના ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે , 2017 માં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આ દેશમાં લોકશાહી જોખમમાં છે. તેમણે ટ્વિટ કરીને પૂછ્યું, "હવે (મમતા) શું કહેવું છે? જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા સેંકડો વિરોધી કાર્યકરો અને સમર્થકો મારી નાખવામાં આવ્યા છે?"
ભાજપના વરિષ્ઠ નેતા સાયંતન બાસુએ કહ્યું હતું કે, "જો બંગાળમાં ચૂંટાયેલા ધારાસભ્ય સુરક્ષિત ન હોય તો અહીં સામાન્ય લોકોની સુરક્ષા શું હશે? અમે આ મામલાની CBI તપાસની માગ કરીશું. રાજ્યમાં કોઈ કાયદો અને વ્યવસ્થા નથી. "