નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સરકાર વધારે સજાગ થઈ ગઈ છે. આજે મુખ્યપ્રધાન કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસથી અહીં 5 હજારે ટેસ્ટ કરવામાં આવતા હતા તેને વધારીને હવે 18 હજાર કરી દેવામાં આવ્યા છે.
ચીન મુદ્દે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, અમને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. બંને સરકાર મળીને કોરોના સામે લડી રહી છે. આ સમય લડાઈ-ઝઘડાનો નથી. આજે સંપૂર્ણ દેશ ચીન સામે બે મુદ્દે લડી રહ્યો છે. વાઈરસ સામે આપણાં ડોક્ટર્સ-નર્સ લડી રહ્યાં છે. જ્યારે બોર્ડર પર સૈનિકો. જ્યાં સુધી આપણે નહીં જીતીએ ત્યાં સુધી દેશ પીછે હટ નહીં કરે.
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ચીન મુદ્દે કોઈ રાજનીતિ નહીં કરાય, ચીન સામે આપણે એક સાથે મળીને બે યુદ્ધો જીતવાના છે અને જ્યાં સુધી આપણે જીતીએ નહીં ત્યાં સુધી ભારત દેશ પીછે હટ નહીં કરે.
કેજરીવાલે કહ્યું કે, હવે હોમ આઈસોલેટ દર્દીને ઓક્સિમીટર આપવામાં આવી રહ્યાં છે. જેથી ઓક્સિજન લેવલની જાતે તપાસ કરી શકશે. ફોન કરતાં જ મેડિકલ ટીમ દર્દીની પાસે પહોંચી જશે. જો દર્દીઓને યોગ્ય સમયે ઓક્સિજન મળી જાય તો જીવ બચાવી શકાય છે. જેથી હોમ આઈસોલેટ લોકોને ઓક્સિ પ્લસ આપવામાં આવી રહ્યાં છે.
નોંધનીય છે કે, કોરોના સંક્રમણને મામલે દિલ્હી હવે બીજા નંબરે છે. દિલ્હીમાં રવિવારે રાત સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 59,746 થઈ ગઈ હતી. દિલ્હી સરકાર રાજ્યમાં 30 જૂન સુધીમાં 1 હજાર એમ્બ્યુલન્સ તહેનાત કરવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે, દરેક ખાનગી હોસ્પિટલમાં 60 ટકા બેડ્સ રિઝર્વ રહે.