નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળની નિમણૂક બાબતો સમિતિએ CEO (મુખ્ય કાર્યકારી અધિકારી) તરીકે રેલ્વે બોર્ડના વર્તમાન અધ્યક્ષ વી.કે. યાદવની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. રેલ્વેના ઇતિહાસમાં પહેલીવાર CEOની રચના કરવામાં આવી છે. યાદવ CEO પદ સંભાળશે.
અગાઉ કેબિનેટે રેલવે બોર્ડના પુનર્ગઠનને મંજૂરી આપી હતી. આ અંતર્ગત બોર્ડના સભ્યોની સંખ્યા આઠથી ઘટાડીને પાંચ કરવામાં આવી છે. આ પગલું રેલવેમાં રજૂ કરાયેલા મોટા પાયે સુધારા હેઠળ લેવામાં આવ્યું છે.
યાદવને અધ્યક્ષ અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે પ્રદીપ કુમારને સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), પીસી શર્મા સભ્ય (ટ્રેક્શન અને રોલિંગ સ્ટોક), પી.એસ. મિશ્રા સભ્ય (ઓપરેશન્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ) અને મંજુલા રંગરાજન સભ્ય (ફાઇનાન્સ) તરીકે નીમવામાં આવ્યા છે.
મંત્રીમંડળની નિમણૂક સમિતિના જણાવ્યા મુજબ આ અંતર્ગત રેલ્વે બોર્ડમાં સભ્ય (સ્ટાફ), સભ્ય (એન્જીનિયરિંગ) અને સભ્ય (મટિરીયલ મેનેજમેન્ટ) ત્રણ પદને રદ કરવામાં આવ્યા છે. મેમ્બર પોસ્ટ (રોલિંગ સ્ટોક) નો ઉપયોગ ઉચ્ચ સ્તરે ડિરેક્ટર જનરલ (માનવ સંસાધન) ની પોસ્ટ બનાવવા માટે કરવામાં આવતો હતો.