નવી દિલ્હી: બસપા સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા કોરોના સંકટ દરમિયાન માત્ર દિલ્હીવાસીઓ માટે તેની હોસ્પિટલ્સ અનામત રાખવાના નિર્ણયની નિંદા કરી છે અને કેન્દ્ર આ બાબતે હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી છે.
સોમવારે એક ટ્વીટમાં માયાવતીએ કેજરીવાલ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, "દિલ્હી દેશની રાજધાની છે. અહીં દેશભરમાંથી લોકો તેમના મહત્વપૂર્ણ કાર્યો માટે આવતા રહે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે છે, તો તે દિલ્હીના નથી એમ કહીને દિલ્હી સરકાર તેમની સારવાર નથી કરતી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. "
બસપા પ્રમુખે આ મામલે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગ કરી હતી અને કહ્યું હતું કે કેન્દ્રને તેમાં દખલ કરવી જ જોઇએ. નોંધપાત્ર વાત એ છે કે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે કોરોના સંકટ સમયે દિલ્હીવાસીઓ માટે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો અનામત રાખવાનો નિર્ણય લીધો છે.