નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ઘરેે મંગળવારની સાંજે 5.30 કલાકની આસપાસ હુમલો થયો છે. હુમલો કરનારે અધીર રંજનના સ્ટાફની સાથે મારપીટ કરી છે. અધીર રંજનની ઓફિસમાંથી કેટલીક ફાઇલો પણ લઈને ભાગી ગયા છે. હુમલાના સમયે અધીર રંજના ઘરમાં તેમની પુત્રી હાજર હતી. અધીરનું કહેવું છે કે, આ પ્રથમવાર થયું છે. હું તો તે સમયે ન હતો, હું સંસદમાં હતો. ફોન આવ્યા બાદ હું અહીં આવ્યો છું. પોલીસ આવી છે, તપાસ કરી રહી છે, જુઓ શું કહે છે આ લોકો. અધીરનું કહેવું છે કે, અહીં કોઈ સીસીટીવી કેમેરા નથી, જો હોત તો કંઇ ખ્યાલ આવી શકે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા લોકોએ કોંગ્રેસના નેતાના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં હાજર ગૃહ કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો. ઘટનાની વિગતો જોતા પોલીસ ટીમ અધિર રંજન ચૌધરીના ઘરે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે કહ્યું કે, અમે હુમલાખોરોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
તેઓ પશ્ચિમ બંગાળના બહરામપુર બેઠક પરથી લોકસભા સાંસદ છે. 2019માં અધીર રંજન ચૌધરીને સોનિયા ગાંધીએ કોંગ્રેસના લોકસભામાં નેતા બનાવ્યા હતા. લોકસભાની અંદર અને બહાર અધિર રંજન ચૌધરીનું વલણ ખૂબ જ આક્રમક છે.
ચૌધરીએ કહ્યું, 'અમે કાર્ય મંત્રણા સમિતિને માહિતી આપી છે કે અમે દિલ્હી તોફાનોના મુદ્દાને ઉઠાવશું, પરંતુ અમને મંજૂરી નથી. સરકારે વિવાદથી વિશ્વાસ બિલ ગૃહમાં રજૂ કર્યું. અમે આ બિલ પર પણ બોલવા ઈચ્છીએ છીએ, પરંતુ સરકાર ઉતાવળમાં છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, અમે મુદ્દા ઉઠાવવાનું શરૂ રાખીશું અને સરકારનો વિરોધ કરીશું.'