નવી દિલ્હીઃ સામાજિક કાર્યકર વરવરા રાવના વકીલ આર. સત્યનારાયણ અય્યરે જણાવ્યુ હતું કે, સોમવારે રાત્રે અચાનક ચક્કર આવતા રાવને હોસ્પિટલ લઈ જવાયા છે.
રાવ છેલ્લા બે વર્ષથી મુંબઈની તલોજા જેલમાં બંધ છે. રાવ અને તેમના પરિવારે દાવો કર્યો હતો કે તેઓ ઘણા સમયથી બિમાર છે. પરિવારે જેલ તંત્રને વિનંતી કરી છે કે તેમને તાત્કાલીક સારવાર અપાઈ.
સોમવારે રાવના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં બે અરજીઓ કરી છે. જેમાં તેમની નાદુરસ્ત તબીયતના કારણે અચોકક્સ મુદ્દત માટે જામીનની માગ કરાઈ છે. આ ઉપરાંત બીજી અરજીમાં તેમને સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવા જેલના અધિકારીઓને આદેશ આપવાની માગ કરાઈ છે.
આ પહેલા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી વરવરાની જેલમુક્તિ માટે વિનંતી કરી છે.
ચૌધરીએ પત્રમાં લખ્યુ છે કે, "81 વર્ષનો વ્યક્તિ પોતાનો ગુનો શું છે તે જાણ્યા વગર બે વર્ષથી જેલમાં બંધ છે. તેઓ માનસિક રીતે હારી ગયા છે. તેમને કોઈ મેડિકલ સહાય અપાતી નથી. મહેરબાની કરી તેમને જેલમાંથી મુક્ત કરો, આ મામલામાં હસ્તક્ષેપ કરી તેમનો જીવ બચાવો નહીંતર ભાવિ પેઢી આપણને માફ નહીં કરે "