આઝાદીની લડાઈમાં યોગદાનની ઘણી બધા કિસ્સા હોય છે. જેટલી કહાનીઓ સ્વરાજની લડતની છે એટલી જ કથાઓ આઝાદીની ઉજવણીઓની પણ છે. પરંતુ છત્તીસગઢથી 90 કિલોમીટર દુર નક્સલવાદીઓના પ્રભાવ હેઠળના ભૈસામુડા ગામના વૃક્ષની પણ એક અલગ કહાણી છે.
આ વિસ્તારના લોકોનું કહેવું છે કે, દેશ આઝાદ થયો છે તેવા સમાચાર સૌપ્રથમ ગામના હરી રામ ઠાકુરને મળ્યા હતાં. તેમણે આખા ગામને આઝાદીના સમાચાર આપ્યા હતાં. આ માહિતી મળતાંની સાથે જ ગામમાં ઉજવણી થઈ હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે ગામ લોકોએ ભેગા મળીને વૃક્ષ વાવ્યુ હતું. જે આજે 73 વર્ષનું વટવૃક્ષ બનીને ઉભું છે. ગામના લોકો દર 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીએ આ વૃક્ષની પૂજા-અર્ચના કરી આઝાદીના પર્વની ઉજવણી કરે છે.
ગામ લોકો આ ઝાડને આઝાદીનું સાક્ષી માને છે. આ વૃક્ષ માટે અલાયદી સુરક્ષા સમિતિ બનાવાઈ છે. જેને વટવૃક્ષની સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે. જો કોઈ આ ઝાડને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં આ વૃક્ષ પાસે મંદિર પણ બનાવાયુ છે.
1200 લોકોની વસતિ ધરાવતા ગામમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે. ગામના તમામ લોકો ઘટાદાર વૃક્ષ નીચે ભેગા થાય છે અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે છે. લોકો આ વૃક્ષના છાંયડામાં બેસી આઝાદીના લડવૈયાઓને યાદ કરે છે.