જોધપુર: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના 30 જવાનો બુધવારે કોરોનાનો શિકાર થયાં છે. આ સૈનિકો અગાઉ દિલ્હીમાં આંતરિક સુરક્ષા માટે ફરજ પર તૈનાત હતા. આ અંગે બીએસએફના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ તમામ જવાનો એક બીએસએફ કંપનીનો ભાગ હતાં. જેમાં 65 જવાનોનો સામેલ હતાં. આ જવાનને દિલ્હીમાં આંતરિક સુરક્ષા માટે જામા મસ્જિદ નજીક મુકવામાં આવ્યા હતા, ત્યારબાદ દિલ્હીથી જોધપુર મોકલવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, દિલ્હી સ્થિત તૈનાત BSFની કંપનીના કેટલાક સૈનિકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો, ત્યારબાદ સોમવારે આખી કંપનીને જોધપુર લઈ જવામાં આવી હતી, જ્યાં બીએસએફના એડિશનલ ટ્રેનિંગ સેન્ટરમાં અલગથી રાખવામાં આવ્યાં હતાં. આ અંગે બીએસએફ અધિકારીએ જણાવ્યું કે, જોધપુર પહોંચ્યા પછી તમામના નમૂનાઓ મંગળવારે લેવામાં આવ્યા હતા. આ જવાનોનું પરીક્ષણ એઈમ્સમાં થયું હતું. એઇમ્સે બુધવારે સવારે રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં આ સૈનિકો કોરોના પોઝિટિવ આવ્યાં હતાં.
મહત્વનું છે કે, આ બધાને હવે એઈમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે, બાકીના સૈનિકો હજી ટ્રેનિંગ સેન્ટરમાં છે, જ્યાં તમામની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે અને વહીવટ તંત્ર તમામ સૈનિકોની યોગ્ય કાળજી લઈ રહ્યું છે.