નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીની (BJP) ચાર સભ્યોની ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટી બુધવારે પશ્ચિમ બંગાળ પહોંચી હતી. આ ટીમ પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન વ્યાપક હિંસાને ધ્યાનમાં રાખી ભાજપે મંગળવારે ચાર સભ્યોની ફેક્ટ-ફાઇન્ડિંગ સમિતિની રચના કરી હતી. રવિશંકર પ્રસાદે અગાઉ કહ્યું હતું કે, આ સમિતિ પશ્ચિમ બંગાળ રાજ્યની મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ સોંપશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સાંસદોની ટીમની નિમણૂક કરી છે. જેનો હું સંયોજક છું. આ ટીમ બંગાળમાં ગ્રામ પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટા પાયે હિંસા, હત્યા, બોમ્બ વિસ્ફોટથી પ્રભાવિત તમામ વિસ્તારોની મુલાકાત લેશે.-- રવિશંકર પ્રસાદ (સંયાજક, ફેક્ટ-ફાઇન્ડિંગ સમિતિ)
કોંગ્રેસ પર ચાબખા : તેઓ વધુમાં જણાવ્યું હતું કે, આ ટીમ તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, અમારી પ્રસ્તાવિત યોજના અનુસાર અમે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનો અને પીડિતોને મળવાનો પ્રયાસ કરીશું. પંચાયતની ચૂંટણીમાં 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવું કેમ થવું જોઈએ? કોંગ્રેસ પર આડકતરી રીતે નિશાન સાધતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સામે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહેલા પક્ષો આ મામલે કેમ મૌન સેવી રહ્યા છે? અમે આ વિસ્તારોની મુલાકાત લઈશું અને રાષ્ટ્રપતિને અમારો રિપોર્ટ સુપરત કરીશું.
ચૂંટણી પહેલા હિંસા : રવિશંકર પ્રસાદ કહ્યું કે, મને આશા છે કે મમતા સરકાર અમને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની મંજૂરી આપશે? પશ્ચિમ બંગાળમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા હિંસા ફાટી નીકળી હતી. ચૂંટણી અગાઉ 8 જુલાઈએ યોજાવાની હતી. જોકે, મતદાનનો દિવસ વ્યાપક હિંસા, લૂંટફાટ અને બેલેટ પેપરની હેરાફેરીથી ખોરવાઈ ગયો હતો. મુર્શિદાબાદ, કૂચ બિહાર, માલદા, દક્ષિણ 24 પરગણા, ઉત્તર દિનાજપુર અને નાદિયા જેવા કેટલાક જિલ્લાઓમાંથી બૂથ કેપ્ચરિંગ, મતપેટીઓને નુકસાન અને પ્રિસાઇડિંગ અધિકારીઓ પર હુમલાની ઘટનાઓ બની હતી.