- મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર હતાં સલ્તનતના અંતિમ બાદશાહ
- અંગ્રેજો સામે હાર ન માની બળવાનો રસ્તો પસંદ કર્યો
- ઇચ્છ્યું હોત અંગ્રેજો સાથે સમજૂતી કરી શાસન બચાવી શક્યાં હોત
ન્યૂઝ ડેસ્ક: છેલ્લાં મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરની આ વાત, જેમણે અંગ્રેજો સામે બળવોનો ઝંડો ઊંચો કર્યો હતો, તે આજે પણ લોકોને પ્રેરણા આપે છે. તે સમ્રાટ હતાં, જો તેમણે ઈચ્છ્યું હોત, તો ન માત્ર અંગ્રેજો પાસેે પોતાનું શાસન જાળવી રાખ્યું હોત, એ દરજ્જો, જે પેઢીથી ચાલ્યો આવતો હતો તે પણ અકબંધ રહ્યો હોત. પરંતુ બહાદુરશાહ ઝફરે મુશ્કેલ માર્ગ પસંદ કર્યો. જે દેશની આઝાદીનું સપનું પૂરું કરવાનો હતો.
દેશની આઝાદીની તમન્નામાં પુત્રોનું બલિદાન આપનાર બાદશાહ
દેખીતી રીતે બ્રિટિશરોએ આને પોતાની સામે બળવો કરવાનો માર્ગ માન્યો અને તેઓએ જુલમ-ઓ-સિતમની એવી સજા આપી કે કે આજે પણ તે જાણીને લોહી ઉકળી ઉઠે. બહાદુરશાહ ઝફર, જેમની રગમાં કવિતા હતી, તેમના જીવનનો છેલ્લો તબક્કો અંગ્રેજો સાથે લડતાં લડતાં પસાર કર્યો. બહાદુરશાહ ઝફર બાદશાહને અપમાનિત કરીને એટલો જુલમ ગુજારવામાં આવ્યો હતો કે જ્યારે તેમને ભૂખ લાગી ત્યારે અંગ્રેજોએ તેમના પુત્રોના માથા કાપી નાખ્યાં અને થાળીમાં પીરસ્યાં હતાં. દેશ માટે પોતાના પુત્રોનું બલિદાન આપનાર આવા પિતાની કહાની એ દર્શાવે છે કે તે દિવસોમાં સ્વતંત્રતાપ્રેમીઓના હૃદયમાં આઝાદીનો અર્થ શું હતો.
બહાદુરશાહ ઝફરે 82 વર્ષે અંગ્રેજો સામે ભીડી બાથ
24 ઑક્ટોબર 1775ના રોજ જન્મેલા બહાદુરશાહ ઝફર 82 વર્ષના હતાં જ્યારે તેમણે અંગ્રેજો સામે લડતા બળવાખોર સૈનિકોનું નેતૃત્વ સ્વિકાર્યું હતું. તેમના પિતાનું નામ અકબર શાહ દ્વિતીય અને માતાનું નામ લાલબાઈ હતું. તેમના પિતાના મૃત્યુ પછી ઝફર 18 સપ્ટેમ્બર 1837ના રોજ મુઘલ બાદશાહ બન્યાં હતાં. તે સમય સુધીમાં દિલ્હીની સલ્તનત ખૂબ નબળી થઈ ગઈ હતી અને મુઘલ બાદશાહ નામના સમ્રાટ રહ્યાં હતાં. મેરઠના સૈનિકોએ બળવા બાદ ઝફરને તેમના નેતા તરીકે પસંદ કર્યા અને તેમને તાજ પહેરાવ્યો. જો કે, અંગ્રેજોની મુત્સદ્દીગીરીને કારણે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થયું અને દિલ્હી તરત જ તેમના હાથમાંથી નીકળી ગયું. ઝફરે હુમાયુની કબરનો આશરો લેવો પડ્યો. બ્રિટિશ અધિકારી વિલિયમ હડસને કાવતરાપૂર્વક તેમની ધરપકડ કરી.
40 દિવસ સુધી તેમની સામે ચાલ્યો હતો કેસ
અંગ્રેજોએ ઝફર સામે રાજદ્રોહ અને હત્યાના આરોપો લગાવ્યા. 27 જાન્યુઆરી 1858થી 09 માર્ચ 1858 સુધી એટલે કે લગભગ 40 દિવસો સુધી તેની સામે કેસ ચાલ્યો. જે બાદ તેને રંગૂનમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો. જોકે ઇતિહાસકારો કહે છે કે આની પાછળનું કારણ એ હતું કે જો તેમને ભારતમાં રાખવામાં આવે તો તેઓ વિદ્રોહનું કેન્દ્ર બની શકે છે.
1862માં રંગૂન જેલમાં જ જન્નતનશીન થયાં બાદશાહ
દેશનિકાલના દિવસો દરમિયાન પોતાની વ્યથાઓને વ્યક્ત કરવા માટે તેમની પાસે માત્ર એક જ માધ્યમ હતું અને તે હતું કવિતા પરંતુ બ્રિટિશરોએ તેમને જેલમાં પેન, લાઇટ અને કાગળ પણ ન ફાળ્યા. તો આથી ઝફરે ઇંટને પેન અને દીવાલોને કાગળ બનાવીને પોતાની ગઝલો લખી. બહાદુરશાહ ઝફર પોતાના દેશને ખૂબ પ્રેમ કરતા હતાં. તેમની છેલ્લી ઈચ્છા હતી કે તેમને મેહરૌલીના ઝફર મહેલમાં દફનાવવામાં આવે, પરંતુ તે થઈ શક્યું નહીં. 7 નવેમ્બર 1862ના રોજ રંગૂનની જેલમાં તેમનું અવસાન થયું અને તેમને રંગૂનમાં જ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યાં.
ઝફરના મોતથી બળવો ફાટવાનો બ્રિટિશરોને ડર હતો
બ્રિટિશરોને ડર હતો કે જો તેમના મૃત્યુના સમાચાર ભારતમાં ફેલાય તો ફરી એકવાર બળવો ભડકી શકે છે. તેથી, તેના દફનવિધિની તમામ વિધિઓ ગુપ્ત રીતે કરવામાં આવી હતી. 1907માં, ઝફરની કબરને ચિહ્નિત કરવામાં આવી હતી અને ત્યાં એક શિલાલેખ મૂકવામાં આવ્યો હતો, પરંતુ 1991 માં ખોદકામ દરમિયાન જાણવા મળ્યું કે વાસ્તવિક કબર ત્યાંથી 25 ફૂટ દૂર છે. હવે લોકો તેને ઝફરની દરગાહ કહે છે અને બહાદુરશાહ મ્યુઝિયમ કમિટી મ્યાનમારમાં ઝફર સંબંધિત સ્થળોની જાળવણી કરે છે.
ભારતમાં આદરપૂર્વક લેવાય છે બહાદુરશાહ ઝફરનું નામ
ભારતમાં બહાદુરશાહ ઝફરનું નામ ખૂબ જ સારી રીતે લેવામાં આવે છે. દિલ્હીમાં તેમના નામ પર ઘણા રસ્તાઓ અને ઉદ્યાનો છે. જ્યારે પાકિસ્તાનના લાહોરમાં તેમના નામ પર એક રોડ છે. બાંગ્લાદેશે ઢાકાના વિક્ટોરિયા પાર્કને બહાદુરશાહ ઝફર પાર્ક નામ આપ્યું છે. પોતાના દેશ માટે આ રીતે મૃત્યુ પામેલા રાજાની આવી કહાની ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. અમારી ખાસ શ્રેણીમાં ETV આવા વતનપરસ્તોને વિશેષપણે યાદ કરી રહ્યું છે, જેના કારણે આજે આપણે જશ્ન-એ-આઝાદીની ઉજવણી કરી રહ્યાં છીએ.