પ્રયાગરાજઃ પોલીસ સુરક્ષા વચ્ચે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાએ પોલીસ પર અનેક સવાલો ઉભા કર્યા છે. ગુજરાતની સાબરમતી જેલમાંથી નૈની સેન્ટ્રલ જેલ લાવતી વખતે અતીક અહેમદે તેની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે પણ અતીકને મીડિયા સાથે વાત કરવાનો મોકો મળ્યો ત્યારે તેણે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. શનિવારે રાત્રે તેની આશંકા સાચી સાબિત થઈ હતી. અતીકની બહેને પણ હત્યાની આશંકા વ્યક્ત કરતા સુરક્ષાની માંગ કરી હતી. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીકને પ્રથમ વખત સજા થઈ હતી અને તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ મામલામાં શાહગંજ પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મેડિકલ ચેકઅપ કરાવા જતા થયું મર્ડર : અતીક અને અશરફને મોતીલાલ નેહરુ માનલિયા હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પહોચતાજ હુમલાખોરોએ બંનેને ગોળીઓથી ઠાર માર્યા હતા. પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે બંને ભાઈઓના મોત થયા હતા. પોલીસ બંદોબસ્તમાં બંને ભાઈઓની હત્યાથી અનેક મોટા પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ સુરક્ષા અને મીડિયાના કેમેરા વચ્ચે લગભગ 20 થી 25 સેકન્ડમાં ડબલ મર્ડરની ઘટના બની હતી.
અતિકને પહેલેથી ખબર હતી કે તેની હત્યા થશે : એવું કહેવાય છે કે હુમલાખોરો મીડિયા પર્સન બનીને ઘણા દિવસોથી અતીકની રેકી કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સાબરમતીથી નૈની લાવવામાં આવ્યા બાદ જ્યારે તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા ત્યારે હુમલાખોરો હત્યાની યોજના ઘડી રહ્યા હતા. પ્રયાગરાજમાં હુમલાખોરો છેલ્લા બે દિવસથી એક હોટલમાં રોકાયા હતા. એવી આશંકા છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ સિવાય અન્ય ઘણા લોકો પણ આ ઘટનામાં સામેલ હોઈ શકે છે.
વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ : હાલ ઘટના બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. સમગ્ર પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રશાસન રાતથી જ ઘણા જિલ્લાઓમાં દળો સાથે પેટ્રોલિંગ કરી રહ્યું છે અને શંકાસ્પદોની પૂછપરછ કરી રહ્યું છે.
મૃતદેહને પરિવાર સ્વિકારશે કે નહિં? : ડીજીપીએ સોશિયલ મીડિયા પર નિવેદન આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અતીક અશરફનું પોસ્ટમોર્ટમ શનિવારે જ ચાલું કરી દેવામાં આવ્યું છે. પોલીસ બંનેના મૃતદેહ કોણ લેશે તેની રાહ જોઈ રહી છે. એવી પણ અટકળો છે કે શાઇસ્તા પરવીન આત્મસમર્પણ કરી શકે છે અને અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે.