- કાશ્મીર ઝોનમાં આતંકવાદી છુપાયા હોવાની જાણકારી મળી હતી
- પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે તપાસ શરૂ કરી હતી
- આતંકી સમુહ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકીઓને મદદ કરનાર આરોપીની પણ ધરપકડ
શ્રીનગરઃ કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાનુસાર, સુરક્ષા બળોને આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના બીરવાહ વિસ્તારમાં એન્કાઉન્ડર દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસના એક વિશેષ પોલીસ અધિકારી અલ્તાફ અહમદ શહીદ થયા છે. જ્યારે એક અન્ય પોલીસકર્મી મંજૂર અહમદ ઈજાગ્રસ્ત થયા છે.
ઘાટીમાં આતંકવાદીઓના સફાયા માટે સેના કામ કરી રહી છે
પોલીસ, સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે બીરવાહ બડગામના જિગમ ગામમાં ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. સેના ઘાટીમાં આતંકવાદનો સફાયો કરવાના તમામ પ્રયાસ કરી રહી છે. 18 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમુહ હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓને મદદ પહોંચાડવાના આરોપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
આરોપીએ બે આતંકવાદીઓની મદદ કરી હતી
એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ 2019માં કિશ્તવાડના જિલ્લા મેજિસ્ટ્રેટના સુરક્ષાકર્મી પાસેથી સરકારી રાઈફલ ઝૂંટવી લેનારા બે આતંકવાદીઓની મદદ કરી હતી. એનઆઈએ પ્રવક્તાએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના તારિક હુસૈન ગિરિની બુધવારે ધરપકડ કરવામાં આવી છે.