- અવધના ઇતિહાસ અને સંસ્કૃતિના નિષ્ણાત હતા યોગેશ પ્રવીણ
- 82 વર્ષીય ઈતિહાસકારનું સોમવારે સાંજે થયું હતું નિધન
- તેમની કાર્યક્ષમતાને લઈને વિવિધ ફિલ્મોમાં પણ કરી હતી મદદ
લખનઉ: ઈતિહાસકાર યોગેશ પ્રવીણનું સોમવારે સાંજે નિધન થયું હતું. તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, એમ્બ્યુલન્સને આવવામાં 2 કલાકનો વિલંબ થતા તેમનું મોત નિપજ્યું છે.
એમ્બ્યુલન્સ ચાલકે કહ્યું, તમે ફરીથી ફોન કરીને બીજી એમ્બ્યુલન્સ મંગાવો
ઇતિહાસકારના ભાઈ કામેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "સોમવારે બપોરે તેમની હાલત બગડતાં અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ બે કલાક સુધી રાહ જોયા બાદ પણ એમ્બ્યુલન્સ ન આવતા અંતે તેને ખાનગી કારમાં બાલારામપુર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના ભત્રીજા સૌરભે જણાવ્યું કે, પરિવારે ઉત્તર પ્રદેશ ઈમરજન્સી સર્વિસિસના નંબર 112 પર ફોન કર્યો હતો. જ્યાંથી તેમને કહેવામાં આવ્યું કે, એમ્બ્યુલન્સ 10 મિનિટમાં પહોંચી જશે. ત્યારબાદ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ફોન કરીને કહ્યું કે, તેને બીજે જવાનું હોવાથી ફરીથી 112 પર કોલ કરીને બીજી એમ્બ્યુલન્સ અંગે પૂછવાનું કહ્યું હતું. આ લગભગ બે કલાક ચાલ્યું અને પછી અમે અમારા કાકાને ખાનગી કારમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા.
બે ડઝનથી વધારે પુસ્તકો લખ્યા હતા
જાણીતા ઇતિહાસકાર અને પદ્મશ્રી યોગેશ પ્રવીણ અવધના ઇતિહાસ અને સંસ્કૃતિના નિષ્ણાત હતા. તેમણે બે ડઝનથી પણ વધારે પુસ્તકો લખ્યા હતા અને અવધના ઇતિહાસ અને સંસ્કૃતિમાં તેમની કુશળતાને કારણે તેઓ આ વિષય પર આધારીત અનેક ફિલ્મોનો ભાગ પણ બન્યા હતા. તેમણે શ્યામ બેનેગલની 'જુનૂન' માટે ગીતો પણ લખ્યા છે અને તેમના ઇનપુટ્સ ફિલ્મ 'ઉમરાઓ જાન' માટે પણ લેવામાં આવ્યા હતા.