અમરાવતી, આધ્રપ્રદેશ : દેશમાં સાંપ્રદાયિક હિંસાના સમાચારો અટકવાનું નામ લઈ રહ્યા નથી. આંધ્રપ્રદેશના કુર્નૂલ શહેરમાં રવિવારે રાત્રે હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો (two groups pelted stones in Kurnool ) થયો હતો. પથ્થરમારામાં ઓછામાં ઓછા 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાના વીડિયો ફૂટેજના આધારે 20 લોકોની અટકાયત કરી છે. પોલીસે કહ્યું કે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ છે.
આ પણ વાંચો : બિહારમાં મસ્જિદ સામે શા માટે માનવ સાંકળ બનાવવામાં આવી, જાણો શું છે સત્ય...
મસ્જિદ સામે જુલુસ નીકળ્યું : કુર્નૂલના હોલાગુંડા વિસ્તારમાં હનુમાન જયંતિની ઉજવણીનું (Hanuman jayanti 2022) આયોજન કરવામાં આવ્યું હતું. મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે સાંજે એક મસ્જિદ સામે જુલુસ નીકળી રહ્યું હતું. મસ્જિદમાં ઈફ્તાર અને નમાઝનો સમય હોવાથી મનાઝીઓએ સરઘસ દરમિયાન મોટેથી સંગીત વગાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બન્ને જૂથોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેના કારણે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : Jahangirpuri Violence Case : મુખ્ય કાવતરાખોર અન્સાર સહિત 14ની ધરપકડ, સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ
વધારાના પોલીસ દળો તૈનાત : જો કે, થોડે દૂર ચાલ્યા બાદ સરઘસના આયોજકોએ ડીજેના અવાજને વધુ તીવ્ર બનાવ્યો, ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો. કુર્નૂલના પોલીસ અધિક્ષક સુધીર કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે, પોલીસે પરિસ્થિતિને થાળે પાડવા દરમિયાનગીરી કરી અને સુનિશ્ચિત કર્યું કે, જુલૂસ મસ્જિદથી આગળ વધે. એસપીએ કહ્યું કે, તેઓએ સાવચેતીના ભાગ રૂપે વિસ્તારમાં વધારાના દળો તૈનાત કર્યા છે.