નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બુલંદશહરની 23 વર્ષની એક મહિલા છેલ્લા 7 મહિનાથી બેભાન છે. રોડ અકસ્માતમાં માથામાં થયેલી ઈજા બાદ અનેક સર્જરી બાદ મહિલા બેભાન અવસ્થામાં પડેલી છે. તેણે ગયા અઠવાડિયે AIIMSમાં એક બાળકીને જન્મ આપ્યો છે (unconscious Woman gave birth to baby girl). ડોક્ટરોના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે મહિલા તેના પતિ સાથે બાઇક પર જઈ રહી હતી. આ દરમિયાન તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. આ ઘટના આ વર્ષે 31 માર્ચે બની હતી. આ અકસ્માતમાં મહિલાને માથામાં ઘણી ઊંડી અને ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો હતો, પરંતુ તે બેભાન રહી હતી.
ન્યુરોસર્જરી વિભાગના પ્રોફેસર દીપક ગુપ્તાએ જણાવ્યું હતું કે "તેણી આંખો ખોલે છે, પરંતુ તે સમજી શકવાની કે પ્રતિક્રિયા કરવાની સ્થિતિમાં નથી. ડૉ. ગુપ્તાએ કહ્યું હતું કે "જો મહિલાએ હેલ્મેટ પહેર્યું હોત તો તેનું જીવન અલગ હોત. કદાચ તેણી અત્યાર સુધીમાં ઠીક થઈ ગઈ હશે. મહિલાનો પતિ એક પ્રાઈવેટ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, પરંતુ આ અકસ્માત બાદ તેણે તેની પત્નીની સંભાળ રાખવા માટે નોકરી છોડી દીધી અને તે તેની પત્નીની સંભાળ લઈ રહ્યો છે.
ડૉ.એ જણાવ્યું કે જ્યારે દુર્ઘટના બાદ મહિલાને AIIMSમાં લાવવામાં આવી ત્યારે તે 40 દિવસની ગર્ભવતી હતી. ગાયનેકોલોજિસ્ટ્સની ટીમે તેની સ્થિતિની સમીક્ષા કરી અને જાણવા મળ્યું કે બાળકી સ્વસ્થ છે. સગર્ભાવસ્થા સમાપ્ત થવાની કોઈ નિશાની નહોતી. ડોક્ટરોએ નિર્ણય દર્દીના પરિવાર પર છોડી દીધો હતો. ડૉક્ટરે કહ્યું કે પ્રેગ્નન્સી ખતમ કરવા માટે કોર્ટનો સંપર્ક કરવાને બદલે તેના પતિએ બાળકને રાખવાનું પસંદ કર્યું. હાલમાં દર્દી બેભાન છે તેથી તે બાળકને દૂધ પીવડાવી શકતી નથી. બાળકને હાલમાં બોટલમાંથી દૂધ આપવામાં આવી રહ્યું છે.