પાટણ સમી તાલુકાના વરાણા ગામે રાધનપુર અને ચાણસ્મા વિધાનસભા બેઠકની સંયુક્ત જાહેર સભા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના પ્રચાર માટે યોજાયેલી આ બેઠકમાં ઠાકોર સમાજ અને નાડોદા સમાજના 1000 આગેવાનો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાતા રાધનપુરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
ઠાકોર સમાજના અગ્રણી ભાજપના શંકરજી ઠાકોર કોંગ્રેસમાં જોડાયા પાટણ જિલ્લાની રાધનપુર અને ચાણસ્મા વિધાનસભા બેઠકોના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈ અને દિનેશ ઠાકોરના સમર્થનમાં સંયુક્ત જાહેર સભા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં વરાણા ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપમાંથી નારાજ થયેલા ઠાકોર સમાજના ઉપપ્રમુખ શંકરજી ઠાકોર ( Shankarji Thakor joined Congress ) પોતાના 500 સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં કોંગ્રેસમાં જોડાયા હતા જેઓને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી આવકાર્યા હતાં.
વરાણામાં જગદીશ ઠાકોરનો હુંકાર તો સમી તાલુકાના નાડોદા સમાજના પણ 500 આગેવાનોએ પ્રદેશ પ્રમુખના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જાહેર સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ 125સીટ સાથે ગુજરાતમાં સરકાર બનાવે છે. સત્તામાં આવ્યા બાદ ચૂંટણી ઢંઢેરામાં આપેલા આઠ વચનો પૂર્ણ કરીશું.
પાટણ જિલ્લાની ચારે બેઠકો જીતાડવા અપીલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વરાણા બાદ નાયતા અને કોઇટા ગામ ખાતે પણ જાહેર સભા સંબોધી હતી અને પાટણ જિલ્લાની ચારે બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોને વિજેતા બનાવવા મતદારોને અપીલ કરી હતી.