કચ્છ: સવાયા કચ્છી તરીકે ઓળખાતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સ્મૃતિવન. વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં મૃત્યુ પામેલ દિવંગતોની યાદમાં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજના આ સ્મૃતિવનમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન ઉભુ કરવામાં આવ્યું છે. ભુજીયા ડુંગરની તળેટીમાં 36 એકરમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનો નજારો એવો લાગે છે કે જાણે ભૂજીયા ડુંગરે લીલી ચાદર ઓઢી હોય.
3 વર્ષમાં 4.07 લાખ વૃક્ષોનું વાવેતર: ભુજના ભુજીયો ડૂંગર અગાઉ વેરાન અને બંજર જમીન ધરાવતો હતો,જ્યારે આજે વિશ્વનું સૌથી મોટુ લીલુંછમ સુંદર સ્મૃતિવન ઉભું કરવામાં આવ્યું છે. અહીંયા મિયાવાકી પદ્ધતિથી છેલ્લા 3 વર્ષમાં 117 પ્રકારના આશરે 4.07 લાખથી વધુ વૃક્ષોનો અત્યાર સુધીમાં ઉછેર કરવામાં આવ્યો છે. તો આગામી સમયમાં અહીં 40 લાખથી વધુ વૃક્ષોના વાવેતરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મિયાવાકી વન એટલે શું?: સ્મૃતિવન મિયાવાકી જંગલ તૈયાર કરનાર ડો.આર.કે.નૈયરે મિયાવાકી વન એટલે શું એ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "મિયાવાકી તે એક ફોરેસ્ટ પદ્ધતિ છે. જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડો. અકિરાએ 40 વર્ષ પહેલા જંગલ વિકસાવવા માટેની મિયાવાકી પદ્ધતિ વિકસાવી હતી. જેની સૌ પ્રથમ શરૂઆત જાપાનમાં કરવામાં આવી હતી. મિયાવાકી વનમાં એક જ જગ્યાએ આબોહવાને અનુકૂળ હોય તેવા છોડનું બે-ત્રણ ફુટના અંતરે ઘનિષ્ટ રીતે વાવેતર કરીને ઉછેર કરવામાં આવે છે. ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં પર પણ મિયાવાકી પદ્ધતિથી જંગલ વિકસાવવામાં આવ્યું છે.
મિયાવાકી ફોરેસ્ટના શું છે ફાયદાઓ?: મિયાવાકી જંગલના ફાયદાની વાત કરવામાં આવે તો વરસાદના પાણીનું સરંક્ષણ કરી શકાય છે તો સાથે જ પર્યાવરણનું પણ જતન કરી શકાય છે. આવા જંગલો પશુ પક્ષીઓ માટે પણ સારા હોય છે. માટીની ગુણવતા વધારવા માટે પણ આવા જંગલો ખૂબ સારા ગણાય છે. માટીની અંદર જે જીવાણુ છે તેના સંરક્ષણ માટે પણ મિયાવાકી વન જરૂરી છે. મિયાવાકી વનના કારણે ઓક્સિજનનો સપ્લાય પણ વધે છે. આ ઉપરાંત આવા વનના કારણે જે ખરાબ હવા હોય છે તેને પણ શુદ્ધ કરી શકાય છે. મિયાવાકી વન માનવજીવન તેમજ ખેડૂતો માટે પણ ખૂબ સારું છે. મિયાવાકી વનથી વાયુ પ્રદૂષણ પણ ઓછું થાય છે સાથે સાથે જળ સરંક્ષણ પણ થાય છે. ભારતની જુદી જુદી ખાલી જગ્યાઓ પર આવા મિયાવાકી વન બનાવવા જરૂરી છે.
દેશમાં 12 રાજ્યમાં 115 જેટલા મિયાવાકી વન: ભુજના સ્મૃતિવન ખાતેના મિયાવાકી વનમાં હજારોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે ,તો વિવિધ પ્રકારના રંગબેરંગી પતંગિયાઓ, ડ્રેગન ફ્લાય, તો કલરફૂલ નાના મોટા કીડાઓ પણ મુલાકાતીઓને જોવા મળે છે. મિયાવાકી વન એટલે ઓછામાં ઓછી જગ્યાએ વધુમાં વધુ વૃક્ષો વાવવા, ઓછામાં ઓછાં સમયમાં વૃક્ષોનું વધુમાં વધુ વિકાસ થાય તેવી ટેકનોલોજી. અત્યાર સુધીમાં ભારતના 12 રાજ્યમાં 115 જેટલા મિયાવાકી જંગલ બનાવવામાં આવ્યા છે જે પૈકી વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલું સ્મૃતિવન છે.