અમદાવાદ : વિશ્વમાં ગ્રાહકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરવા માટે તારીખ 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ન્યાય અંગે પ્રસિદ્ધ કહેવત છે કે "ન્યાયમાં વિલંબ તે ન્યાયનો ઇનકાર છે" પરંતુ ગુજરાત સહિત અમદાવાદની ત્રણેય ગ્રાહક કોર્ટમાં સતત કેસનો ભરાવો થઈ રહ્યો છે. 65 વર્ષથી મોટી વયના સીનીયર સીટીઝન ફરીયાદી ગ્રાહકો અને મહિલાઓને ન્યાય મેળવવા પાંચથી દસ વર્ષના અસહ્ય વિલંબનો સામનો કરવો પડે છે.
ગ્રાહક સુરક્ષા ધારા : ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે, ગ્રાહક સુરક્ષા ધારા, 2019 માં કેન્દ્ર સરકારે સુધારા અને સંશોધન કરીને ફરીયાદ દાખલ થાય ત્યારથી સામાવાળાને નોટિસ પાઠવવામાં વધુમાં વધુ 45 દિવસની સમયમર્યાદામાં ફરજીયાત જવાબ આપવાની જોગવાઈ કરી છે. જો સામાવાળા ફરીયાદીને જવાબ ન આપે તો જવાબનું સ્ટેજ બંધ થાય. ગ્રાહકલક્ષી જોગવાઈ કરવા છતાં જજમેન્ટ આવવામાં સતત વિલંબ થાય છે. આથી વધુમાં વધુ 2 વર્ષની સમયમર્યાદામાં પક્ષકારોને ફરજીયાત જજમેન્ટ મળે તેવી કાનુની જોગવાઈ કરવા સંસ્થા ઝુંબેશ ઉપાડશે.
ગ્રાહકની ફરિયાદનો નિકાલ : કોઈપણ સંજોગોમાં ફરીયાદના નિકાલમાં બે વર્ષથી વધુ સમય થાય અને સામાવલમે મુદત પડાવે તો ફરીયાદીને મુદત દીઠ ઓછામાં ઓછા રૂ. 5 હજારથી રૂ. 25 હજાર સુધીની કોસ્ટ આપવાની જોગવાઈ કરવા માંગણી છે. આથી બિનજરૂરી મુદતો ન પડે અને કોર્ટમાં તારીખ પે તારીખ ન પડે તેમજ ઝડપી ન્યાય મળે અને ફરિયાદોનો ઉકેલ આવે તેવી પરિસ્થિતિ સર્જાશે.
ગુજરાતમાં પેન્ડિંગ કેસ : અમદાવાદના ત્રણ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 11 હજારથી વધુ ફરિયાદોનો ભરાવો છે. તેવી જ રીતે ગુજરાત રાજ્યના તમામ ગ્રાહક કમિશનમાં 35 હજારથી વધુ ફરિયાદોનો ભરાવો થયો છે. 25 હજારથી વધુ કેસ તો વીમા કંપની સામે મેડીક્લેઇમ અંગે છે. મોટાભાગના મેડીક્લેઇમના કેસોમાં ફરીયાદીની તરફેણમાં ચુકાદો આવે છે. તેવા સંજોગોમાં લોક અદાલતના માધ્યમથી તમામ ફરીયાદી ગ્રાહકોને ઝડપી ન્યાય મળે અને કેસનો ભરાવો ઓછો થાય તે માટે લેખિત રજુઆત કરવામાં આવશે.
વહીવટી તંત્રને રજૂઆત : ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવે છે કે, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને 22 માર્ચ સુધી રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ તેમજ નેશનલ કમિશન અને સ્ટેટ કમિશનના જસ્ટિસ પ્રમુખને તેમજ કેન્દ્ર સરકારના પ્રધાનો અને વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવી ફરીયાદી ગ્રાહકોને વિના વિલંબે ઝડપી ન્યાય મળે તે માટે રજૂઆત કરાશે.
એક ગ્રાહકની લડત : મુકેશ પરીખે વધુમાં જણાવ્યું કે, ધનજીભાઈ પટેલ સિનિયર સિટીઝન છે. તેમને હાર્ટ એટેક આવ્યો તેથી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. ખૂબ જ મોટી રકમનું બિલ બન્યું હતું. વીમા કંપની દ્વારા તેમને અધૂરી રકમ ચૂકવવામાં આવી હતી. બીપીએન પેકેજના નામે વીમા કંપની અને હોસ્પિટલ વચ્ચે ટાઇઅપ હોય છે. પરંતુ હોસ્પિટલ નિશ્ચિત ઠરાવેલા દરથી જ સારવારના ચાર્જ લઈ શકે છે. હોસ્પિટલ વધુ બિલ બનાવે છે.
ન્યાય મળ્યો પરંતુ મોડો : 68 વર્ષીય ધનજીભાઈ પટેલે કાનૂની લડત આપી હતી. છેવટે જે રકમ કાપી હતી તેની સામે 9 ટકા વ્યાજ સહિત ખર્ચ અપાવ્યો હતો. ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ફરિયાદી ગ્રાહકોને ચોક્કસ ન્યાય તો મળે જ છે. પરંતુ ન્યાયમાં વિલંબ થાય છે. ન્યાયિક વિલંબ સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ લડત ચલાવી રહી છે.