ગાંધીનગર: વિધાનસભા મોનસુન સત્રમાં છેલ્લા દિવસે રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં પકડાયેલા રૂપિયા 850 કરોડના ડ્રગ્સ મુદ્દે ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સરકારને આકરા સવાલો કર્યા હતા. તેમણે કચ્છમાં અદાણી સંચાલીત મુન્દ્રા પોર્ટ પર અંદાજિત 35,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સનો જથ્થો હાલ ક્યાં છે? તે સવાલ પુછ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૃહમાં જવાબ આપવામાં આવ્યો છે કે 2021 ના વર્ષમાં એનઆઇએ દ્વારા 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. આ જથ્થો ક્યાં છે તેની માહિતી ગૃહ વિભાગ પાસે નથી.
ધારાસભ્યએ શું સવાલ કર્યો હતો? ઉમેશ મકવાણાએ જણાવ્યું કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મેં પ્રશ્ન પૂછ્યો હતો કે, 2021 થી 2024 સુધી કચ્છમાં અદાણી સંચાલીત મુન્દ્રા પોર્ટ પર અંદાજિત 35,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સનો જથ્થો હાલ ક્યાં છે? તેનો નાશ કરવામાં આવ્યો છે કે નહીં? અને જો તેનો નાશ કરવામાં આવ્યો હોય તો કઈ કમિટી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે, અથવા તો કયા અધિકારીના માર્ગદર્શન હેઠળ આ ડ્રગ્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે?
આ સળગતો સવાલ પણ કરાયોઃ ગૃહ મંત્રીને એ પણ સવાલ કરવામાં આવ્યો હતો કે, શા માટે વારંવાર અદાણી સંચાલિત કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સના જથ્થાઓ ઠલવાઈ રહ્યા છે. ખાનગી પોર્ટના અધિકારીઓ, ડાયરેક્ટર્સ અને માલિકોની ગૃહ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં? જો તપાસ કરવામાં આવી હોય તો તેની ઉપર અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? પોર્ટના કેટલા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે કે નહીં? આ સવાલો ગૃહમાં ગૃહ મંત્રીને પૂછવામાં આવ્યા હતા.
હર્ષ સંઘવીએ શું આપ્યા જવાબઃ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૃહમાં જવાબ આપવામાં આવ્યો છે કે, 2021 ના વર્ષમાં એનઆઇએ દ્વારા 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. આ જથ્થો ક્યાં છે તેની માહિતી ગૃહ વિભાગ પાસે નથી. ગુજરાતમાં એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં ટ્રગ્સ મળતું ન હોય.
તેમણે કહ્યું કે, ગૃહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટી મોટી વાતો કરે છે. ગુજરાતમાં ડ્રગ્સ નાબૂતી માટે સરકાર અભિયાન ચલાવે છે પરંતુ, બીજી બાજુ ધારાસભ્યોની સૂચનોનું અવગણના કરવામાં આવે છે.