સુરત: તંત્રની ભૂલ અને બેદરકારીના કારણે માંગરોળ તાલુકાના નદી કિનારે રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ફરી એકવાર જો કીમ નદીમાં પૂર આવે તો નદી કિનારે આવેલા ઘરો નદીમાં વહી જવાનો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. પાળા બનાવવા માટે એજન્સીએ કામ તો શરૂ કર્યું છે પરંતુ ઉપરાંત તેઓ કામ અધૂરું મૂકી નાદારી જાહેર કરી દીધી છે. ગ્રામજનો હવે જલ્દી પાળા બનાવવાની ગુહાર કરી રહ્યા છે.
30 જેટલા પરિવારો ચિંતામાં: માંગરોળ તાલુકાના કીમ નદી કિનારે આવેલા મોટી નરોલી ગામના દ્રશ્યો ચિંતાજનક છે. 250 ઘરો પેકીના ગામમાં 30 પરિવાર નદી કિનારે વસવાટ કરે છે. હાલમાં જ કીમ નદીમાં આવેલા ભયંકર પૂરે કીમ નદી કિનારે વસતા 30 જેટલા પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે. જેનું કારણે એ છે કે, નદીના ધસમસતા પ્રવાહમાં કિનારાનું એટલું બધું ધોવાણ થયું છે કે જેનાથી નદીના પાણી હવે ઘરના વાડા સુધી આવી ગયા છે. કેટલાક ઘરોમાં તો એવી પરિસ્થિતિ છે કે ઘરનો પાછળનો દરવાજો ખોલો એટલે સીધા નદીમાં 30 ઘરો પેકી 9 ઘર એવા છે જ્યાં વિધવા મહિલાઓ પોતાના બાળકો સાથે વસવાટ કરે છે.
કંપનીએ નાદારી નોંધાવી કામ બંધ કરી દીધું: કીમ નદી કિનારે થઇ રહેલા સતત ધોવાણને કારણે વર્ગ્રાષ 2008થી ગ્રામજનોની માંગ અને ભારે રજૂઆતને લઇ કીમ નદી કિનારે મોટી નરોલી ગામે પાળા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2020માં એજન્સીને કામ આપવામાં આવ્યું. લગભગ 4 કરોડથી વધુની રકમથી આ પાળા બનવાના હતા. એજન્સી દ્વારા પાળા બનાવવા જમીન લેવલ કરવા નદીના કુદરતી પાળા તેમજ નદી કિનારે વૃક્ષો તોડી નાખવામાં આવ્યા અને કોઈક કારણસર કંપનીએ નાદારી નોંધાવી કામ બંધ કરી દીધું. જોકે તેની અસર છેલ્લા ચાર વર્ષમાં થઇ અને નદીના કુદરતી પાળા તોડી નાખવામાં આવતા નદીનું ધોવાણ શરુ થયું છે. છેલ્લા ચાર વર્ષમાં 60 ફૂટથી વધુ જમીનનું ધોવાણ થઇ ગયું છે અને નદીના પાણી લોકોના વાડા સુધી પહોચી ગયા છે.
કામ શરૂ કરવાની બાંહેધરી આપી: કીમ નદી સાંકડી હોવાને કારણે લગભગ દર વર્ષે ચોમાસા દરમિયાન એક વખત પૂર આવવાનું નક્કી છે. ચાલુ સિઝનમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગામજનોને ચિંતા છે કે, નદીમાં ફરી વાર પૂર આવ્યું તો તેમના ઘર નદીમાં પડી જાય એવી શક્યતા છે. જેને લઇ ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત પ્રમુખને રજૂઆત કરવામાં આવતા તાલુકા પંચાયતના પ્રમુખ મોટી નરોલી ગામે દોડી આવ્યા હતા અને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક ધારાસભ્ય તેમજ સરકારમાં રજૂઆત કરી જેમ બને તેમ જલ્દી નવી એજન્સીને કામ સોંપી કામ શરૂ કરવાની બાંહેધરી આપી હતી.