મહીસાગર : અંદાજે 33.16 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં 150 બેડના નવા વોર્ડનું પીએમ નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી વર્ચ્યુઅલી ઈ-ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો સહિત લોકોએ નિહાળ્યું હતું. શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ નવીન જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ : આ પ્રસંગે રાજ્ય શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરે જણાવ્યું કે, જનરલ હોસ્પિટલ લુણાવાડાના મહીસાગર જિલ્લા સહિત પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને રાજસ્થાન સરહદી વિસ્તારના અંદાજે 15 થી 20 લાખ લોકોને આરોગ્યલક્ષી સુવિધાનો સીધો લાભ મળશે. હાલ સુધી હોસ્પિટલમાં પ્રતિ વર્ષ OPD થકી એક લાખથી વધુ દર્દીઓ સારવાર લે છે, નવીન હોસ્પિટલ બનવાથી અંદાજે વાર્ષિક બે લાખ દર્દીઓ લાભ લઈ શકે તેવી સુવિધા પૂરી પાડવામાં આવશે.
અદ્યતન સુવિધાયુક્ત હોસ્પિટલ : ડો. કુબેર ડિંડોરે વધુમાં જણાવ્યું કે, જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે નોંધણી, ઇમરજન્સી, રેડિયોલોજી, ફાર્મસી, લેબર એરિયા સહિત OPD જેમ કે ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગાયનેક, જનરલ, ડેન્ટલ, ડાયેટિશિયન, ફિઝિયોથેરાપી જીરિયાટ્રિક, સ્કિન, NRC, 3 ઓટી કોમ્પ્લેક્સની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત લેબોરેટરી સેવા, મેલ અને ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશિયલ રૂમ, NICU, PICU, બર્ન વિભાગ, ICCU & amp, બ્લડ બેન્ક, એડમીન ઓફીસ, ઇલેક્ટ્રિકલ & amp, પાવર બેક અપ સિસ્ટમ, મોર્ચ્યુરી, લોન્ડ્રી, મેડિકલ ગેસ પાઇપલાઇન, ફાયર ફાઇટીગ સીસ્ટમ, વોટર સપ્લાય, સુઅરેજ સીસ્ટમ, બાયો મેડીકલ વેસ્ટ સીસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.
હાલમાં વાર્ષિક 12 હજાર દર્દીઓને દાખલ કરી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હવે નવી બિલ્ડીંગ બનવાથી વાર્ષિક 30 હજાર જેટલા દર્દીઓને દાખલ કરી શકાશે. હાલમાં વાર્ષિક 2,500 પ્રસુતિ અને 500 સિઝેરિયન ઓપરેશન થાય છે. જ્યારે નવી હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધા થકી પ્રસુતિમાં વધારો થઈ શકશે. -- ડો. કુબેર ડિંડોર (રાજ્ય શિક્ષણપ્રધાન)
આયુષ્યમાન કાર્ડ : વધુમાં તેમણે જણાવ્યું કે, આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે. આયુષ્યમાન ભારત યોજનાથી ગંભીર બીમારીની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે. આયુષ્યમાન કાર્ડ થકી વિનામૂલ્યે 10 લાખ સુધીની સુવિધા આપવામાં આવે છે.
20 લાખ દર્દીઓને મળશે લાભ : આ પ્રસંગે સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું કે, કોરોના સમયે લુણાવાડા ખાતે ઓછા બેડના કારણે દર્દીને અમદાવાદ અને વડોદરા જવું પડતું હતું. ત્યારે આજરોજ નવીન જનરલ હોસ્પિટલમાં 150 બેડ હોવાથી કોઈ પણ દર્દીને બીજા જિલ્લામાં સારવાર માટે જવું નહીં પડે અને ઘર આંગણે અધતન સુવિધાયુક્ત હોસ્પિટલમાં જ લાભ મળી રહેશે. વડાપ્રધાને છેવાડાના માનવીની ચિંતા કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘરઆંગણે વંચિતો અને જરૂરિયાતમંદોને લાભ આપ્યો છે.
લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ-પદાધિકારીઓ, તબીબો અને નાગરિકોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.