પોરબંદર : લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી પ્રચારમાં કોઈપણ બાબતે ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે પોરબંદર ભાજપ કાર્યાલયથી લોકસભા બેઠક સંયોજક ધલવ દવેએ વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન માટે નાગરિકો કેવી રીતે સૂચન આપી શકે છે તે અંગે માહિતી આપી હતી.
વિકસિત ભારત સંકલ્પ પત્ર : આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનું આયોજન કરાયું છે. જે અંતર્ગત પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રદેશ પ્રભારી ધવલ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ ભારત દેશમાં વધી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગત 26 ફેબ્રુઆરીના રોજ સંકલ્પ પત્ર અભિયાનનું લોન્ચિંગ કર્યું છે. જેમાં પાર્ટીનું કયું કામ બાકી છે અને ભાજપે કયું કામ નથી કર્યું તે અંગે દેશભરમાંથી નાગરિકો પોસ્ટકાર્ડ ટાઈપ એક કાર્ડમાં લોકો પોતાના સૂચનો લખી સંકલ્પ પેટીમાં આપી શકે છે.
દેશવ્યાપી મહાઅભિયાન : ધવલ દવેએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્યપ્રધાન સહિત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અભિયાન શરૂ કરાવ્યું છે. ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા અને ગામડા સુધી આ સંકલ્પ પેટી પહોંચાડીને મહા અભિયાન ચલાવવામાં આવશે. આવી જ રીતે પોરબંદર જિલ્લામાં પણ દરેક ગામડાઓમાં ભાજપના આગેવાનો તથા કાર્યકરો જઈને સંકલ્પ પેટી રાખશે, જેમાં સામાન્ય નાગરિકથી લઈ તબીબો, એન્જિનિયરો કે કોઈપણ વ્યવસાય કરતા લોકોના સૂચનો પણ આવકાર્ય રહેશે.
ભાજપ સરકારનો શાસનકાળ : ભાજપ સરકારના કાર્યકાળ અંગે વાત કરતા ધવલ દવેએ જણાવ્યું હતું કે, 2004 થી 2014 સુધી ભારતમાં ભ્રષ્ટાચારનો દોર હતો. વર્ષ 2014 થી 2024 સુધી ભારતના લોકોને ગૌરવ થાય છે કે મોદીની સરકાર આવી છે અને સારું કામ કરી રહ્યા છે. ઉજ્જવલા યોજના, અટલ સેતુ વિકાસ યોજના અને વિરાસતની વાત હરણફાળ વિકાસ કાર્યો મોદી સરકારે કર્યા છે. ત્યારે આયુષ્માન કાર્ડ અને રામ મંદિરની ગેરંટી પણ પીએમ મોદીએ પૂર્ણ કરી છે. આ ઉપરાંત પહેલા આતંકવાદી હુમલા થતા તથા સૈનિકો પર પથ્થરમારો પણ થતો, જે હવે ભૂતકાળ બની ગયો છે.
સંકલ્પ પત્ર અભિયાનનો હેતુ : દેશ કેવી રીતે આગળ વધે અને સૌનો સાથ સૌનો વિકાસ રાખી કઈ રીતે દેશનો વિકાસ કરી શકાય તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સૌ લોકો સુધી આ સંકલ્પ પેટી પહોંચે અને ભાજપ પક્ષના ઉચ્ચ કક્ષાના નેતાઓ સુધી આ સૂચનો પહોંચે અને દેશના લોકોને કોઈ સમસ્યા ન રહે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. આ અભિયાનમાં લોકો સહયોગ આપે તેવી વિનંતી છે.