વેરાવળઃ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એ પી કલસરિયા દ્વારા વેરાવળમાં આવેલ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાછલા 26 વર્ષ દરમિયાન લેણી નીકળતી પાણીનું બિલ 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં સફળતા મળી છે. પાછલા ઘણા વર્ષોથી આ મામલો રાજ્યના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગ વચ્ચે મડાગાંઠ સમાન બનતો હતો. જેમાં હવે 24 વર્ષે સરકારને સફળતા મળી છે જે અંતર્ગત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાણીના બાકી નીકળતા 157 કરોડ સરકારમાં જમા કરાવ્યા છે.
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી સિંચાઈ વિભાગે 157 કરોડ વસૂલ્યા: પાછલા 26 વર્ષથી વેરાવળમાં આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી હતી. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હિરણ બે ડેમમાંથી ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી. તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા 26 વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી. જેને કારણે સમગ્ર મામલો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ પણ વિચારાધીન હતો. આવા સમયે વેરાવળ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એ પી કલસરિયાના પ્રયાસો દ્વારા સમગ્ર મામલામાં 24 વર્ષે સુખદ સમાધાન થયું છે. કાયદાની મર્યાદામાં રહીને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળે બાકી નીકળતી 157 કરોડ રૂપિયા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં જમા કરાવતા પાછલા 26 વર્ષથી સરકાર અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ચાલી રહેલા મામલામાં સુખદ નિરાકરણ આવ્યું છે.
ઔદ્યોગિક એકમના પાણીને લઈને ચાલતો હતો વિવાદ: ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળ દ્વારા તેમના ઔદ્યોગિક એકમોને હિરણ બે જળાશયમાંથી ઉદ્યોગને લગતું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું. જેમાં વર્ષ 1999 થી લઈને 2024 સુધી કંપની દ્વારા સિંચાઈ વિભાગને પાણીના બદલામાં ચાર્જ ચૂકવવામાં આવતો ન હતો. સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે કંપનીને પાણીનું બિલ મોકલવામાં આવતું હતું પરંતુ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેને પરત મોકલવામાં આવતું હતું. જેને કારણે સિંચાઈ વિભાગે ન્યાયતંત્રમાં એક્સપર્ટ એડવાઈઝર રોકીને સમગ્ર મામલામાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લેણા નીકળતા 157 કરોડ મેળવવાને લઈને કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં સિંચાઈ વિભાગને સફળતા મળી છે.
હિરણ નદી અને ડેમ વિસ્તારમાંથી મેળવાતું હતું પાણીઃ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર નદી કાઠા થી 200 વારના વિસ્તારમાંથી તેમજ ડેમના ડાઉન સ્ટ્રીમ માંથી વર્ષ 1999 થી પાણી ઉપાડવાનું શરૂ કર્યું હતું. જે આજ દિન સુધી ચાલુ રાખ્યું હતું. જેના બદલામાં સિંચાઈ વિભાગે પાણીના વપરાશ માટે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ચાર્જ સાથેનું બિલ મોકલ્યું હતું પરંતુ કંપની દ્વારા બિલ ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી. જેમાં કાયદાનું રક્ષણ મેળવીને સિંચાઈ વિભાગે 26 વર્ષ બાદ સફળતા મેળવી છે અને વર્ષ 1999 થી લઈને 2024 સુધીનું પડતર બિલ એક સાથે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લેવામાં સફળતા મેળવી છે.