જુનાગઢ: ચોમાસા દરમિયાન શાકભાજીના બજારના ભાવોમાં ઐતિહાસિક તેજીમાં જોવા મળતા હોય છે. ભારે વરસાદને કારણે શાકભાજીની આવક મર્યાદિત બનવાની સાથે વરસાદને કારણે વાવેતર નિષ્ફળ જતા હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાના આ દિવસોમાં જૂનાગઢમાં ઉલટી ગંગા રહેતી જોવા મળે છે. શાકભાજીના બજાર ભાવ વધવાની જગ્યા પર એકદમ સામાન્ય જોવા મળી રહ્યા છે.
શાકભાજીના બજાર ભાવમાં મોટો ઘટાડો: ચોમાસાના આ દિવસો દરમિયાન લીલા શાકભાજીના બજાર ભાવ ઐતિહાસિક સપાટી પર જોવા મળતા હોય છે, પરંતુ આ વર્ષે જુનાગઢ એપીએમસીમાં જાણે કે ઉલટી ગંગા વહેતી હોય તે પ્રકારે બજાર ભાવ વધવાની જગ્યા પર ઘટી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન શાકભાજીની આવક મર્યાદિત બનતી હોય છે તેમજ નવું વાવેતર અતિ ભારે વરસાદને કારણે નિષ્ફળ થતું હોય છે.
શાકભાજીના ભાવો એકદમ સામાન્ય: પરંતુ આ વર્ષે ચોમાસાના આ દિવસો દરમિયાન ગત વર્ષની સરખામણીએ બજાર ભાવ એકદમ સામાન્ય કહી શકાય તેવા અડધાથી પણ ઓછા જોવા મળે છે. પરિણામે શાકભાજીની બમ્પર આવક થઈ રહી છે છૂટક વેપારીઓ પણ શાકભાજીની ખરીદી કરવાની બાબતને લઈને હવે ઉત્સાહ ઓછો દર્શાવી રહ્યા છે. જેને કારણે શાકભાજીના ભાવો એકદમ સામાન્ય જોવા મળે છે.
ચોક્કસ વિસ્તારમાં વરસાદને કારણે પરિસ્થિતિ: ચોમાસામાં શાકભાજીના ઘટેલા બજાર ભાવો પાછળ ચોક્કસ અને અમુક જિલ્લામાં જ વરસાદની સ્થિતિને કારણભૂત માનવામાં આવે છે. આજના દિવસો દરમિયાન સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને સોમનાથ વિસ્તારમાં વરસાદ જોવા મળે છે. આ સિવાય અન્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કોઈ નોધપાત્ર વરસાદ નથી. જેને કારણે સુરત, બરોડા, આણંદ, નડિયાદ, અને પરપ્રાતમાંથી આવતું શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું છે. ત્યાં વરસાદ નહીં હોવાને કારણે પણ શાકભાજીનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. પરિણામે જુનાગઢ એપીએમસીમાં બજાર ભાવો ઘટી રહ્યા છે અને શાકભાજીની આવક વધી રહી છે.
છૂટક બજારમાં શાકભાજીના ભાવો: જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બજાર ભાવો પર એક નજર કરીએ તો પ્રતિ એક કિલો શાકભાજીના ભાવ આજના દિવસે નોંધાયા છે. તે મુજબ,
શાકભાજી | પ્રતિ કિલોના ભાવ |
રીંગણ | 20 રૂપિયા |
ગુવાર | 70 રૂપિયા |
તુરીયા | 50 રૂપિયા |
ભીંડા | 30 રૂપિયા |
કારેલા | 30 રૂપિયા |
દુધી | 20 રૂપિયા |
બટેટા | 20 રૂપિયા |
ગલકા | 30 રૂપિયા |
ટમેટા | 85 રૂપિયા |
મરચા | 50 રૂપિયા |
લીંબુ | 60 રૂપિયા |
આદુ | 65 રૂપિયા |
ફ્લાવર | 50 રૂપિયા |
લીલા વટાણા | 150 રૂપિયા |
ઉપર દર્શાવેલ ભાવ પ્રમાણે પ્રતિ કિલોના ભાવે જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શાકભાજી વેચાઈ રહી છે. આ પૈકી ટમેટા અને લીલા વટાણાને બાદ કરતા મોટાભાગના શાકભાજીના બજાર ભાવ ગત વર્ષની સરખામણીએ અડધા કરતાં પણ ઓછા નોંધાયા છે.