બનાસકાંઠા: વાવ વિધાનસભાની બેઠક ખાલી થતા 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. જોકે ચૂંટણી જંગમાં સીધી ટક્કર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ વચ્ચે થવાની છે.
ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે લડતા માવજી ભાઈ
માવજીભાઈ પટેલ અગાઉ ભાજપમાં હતા અને ટિકિટ ન મળતા બળવો કરીને તેઓ હવે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતર્યા છે. માવજીભાઈ જાહેર મંચથી ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર પ્રહારો કરી રહ્યા છે, માવજીભાઈ પટેલ સમાજમાંથી આવતા હોવાના કારણે પટેલ સમાજમાં તેમનું સારૂં પ્રભુત્વ છે. તેઓ એક વખત જનતા દળમાંથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવેલા છે. પરંતુ આ વખતે ભાજપે તેમને ટિકિટ નથી આપી અને તેથી નારાજ થઈને તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવીને જીતની આશા સાથે હવે ગામેગામ પ્રચાર કરી રહ્યા છે.
ભાજપની બી ટીમ હોવાનો માવજીભાઈ પર આરોપ
જોકે એક તરફ માવજીભાઈ પટેલ ભાજપની બી ટીમ તરીકે કામ કરતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે ઈટીવી ભારતની ટીમે તેમને તીખા સવાલો કર્યા હતા. માવજીભાઈ પટેલે ભાજપની બી ટીમ નહીં પરંતુ લોકોની ટીમ બનીને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે અને લોકોના પ્રશ્નો માટે લડતા હોવાની વાત કરી હતી. માવજીભાઈ પટેલે જીત તરફ આગળ વધી રહ્યા હોવાનો પણ દાવો કરી રહ્યાં છે.
ભાજપની સ્વરૂપજી ઠાકોરે પણ કર્યો જીતનો દાવો: આ તરફ ભાજપ ઉમેદવાર સ્વરૂપ જી ઠાકોર દ્વારા સુઈગામના પાટણ ગામે જાહેર સભાને સંબોધવામાં આવી હતી, જમાં તેમણે કહ્યું કે, વર્ષ 2022માં આપણે હાર સહન કરવી પડી હતી, ત્યારે આ વખતે ત્રિપાંખીયા આ જંગ વચ્ચે તેમનું પલડું ભારે દેખાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું અને તેમના સમર્થનમાં મતદાન કરવા માટે મતદારોને અપીલ કરી હતી. ત્યારે ઈટીવી ભારતની ટીમે સ્વરૂપજી ઠાકોરને સવાલો કર્યા હતા અને વર્ષ 2022 માં હાર પાછળના કયા કારણો રહ્યા તે જાણવાનો પ્રયાસો પણ કર્યો હતો.
ઈટીવી ભારતના સવાલોના જવાબ આપતા સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, વર્ષ 2022માં તેઓ નવો ચહેરો હતો અને તેના કારણે તેમની હાર થઈ હતી. જો કે આ વખતે તેઓ જીતીશે તેવી આશા વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં જ બાકી રહેલા વિકાસના કામો અને જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાની પણ તેમને વાત કરી હતી.
વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ: વાવ મતવિસ્તારમાં જાતિગત ગણિત હંમેશા કામ કરી જતું હોય છે, આ વાવ મત વિસ્તારમાં ઠાકોર સમુદાયના વિશેષ વોટ છે, ત્યાર બાદ ચૌધરી અને પટેલ સમાજ પણ બહુત્વ ધરાવે છે. ત્યારે ભાજપે આ વખતે ઠાકોર સમુદાય વોટ કવર કરવા ઠાકોર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જેઓના દાદા વર્ષો સુધી જીત મેળવીને આ વિસ્તારમાં ચૂંટાઈ ચુક્યા છે. પરંતુ આ વખતે બંનેનું ગણિત અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ બગાડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી આગામી દિવસોમાં વાવ વિસ્તારના મતદારો કોના માટે પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રહ્યું.