સુરત : સુરત રેલવે સ્ટેશન પર જ્યારે વંદે ભારત ટ્રેન પહોંચી ત્યારે યાત્રીઓ સુરત રેલવે સ્ટેશન પર ઉતરવા માટે પ્રયાસ કરી રહ્યા હતાં. પરંતુ ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતાં. 10 કે 15 મિનિટ નહીં પરંતુ 50 મિનિટ સુધી લોકો ટ્રેનથી બહાર આવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતાં. પરંતુ ટેકનિકલ ખામી હોવાના કારણે દરવાજો ખુલ્યો નહોતો. જેથી યાત્રીઓને હાલાકી ભોગવી પડી હતી. વંદે ભારત ટ્રેનના C 14ના યાત્રીઓ ત્યારે મુશ્કેલમાં મુકાયા જ્યારે તેઓ સુરત પ્લેટફોર્મ પર ઉતરવા માંગતા હતા પરંતુ ટ્રેનના દરવાજા ખુલ્યાં ન હતાં.
દરવાજા ખુલ્યાં ન હતાં : ટેકનિકલ ખામી આવી જતા ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતાં. જેથી ટ્રેનમાં લાઈટ અને એસી બંધ બંધ કરવામાં આવી હતી. તેમ છતાં દરવાજા ખુલ્યા ન હતા. યાત્રીઓ મુશ્કીલોમાં મુકાયા હતા. આખરે મેન્યુઅલી દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ત્યાર પછી આશરે 50 મિનિટ બાદ દરવાજા ખુલતા યાત્રીઓ સ્ટેશન પર ઉતર્યા હતાં.
સુરતથી 9:28 કલાકે આ ટ્રેન ઉપડી : આ સમગ્ર મામલે સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22962 માં ટેકનિકલ સમસ્યા સર્જાઇ હતી અને ઓટોમેટીક દરવાજા ખુલ્યા ન હતા. જેના કારણે કર્મચારીઓ દ્વારા દરવાજા મેન્યુઅલી ખોલવામાં આવ્યા હતાં. આખરે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ટ્રેન લગભગ 50 મિનિટથી ચાલી હતી. સુરતથી 9:28 કલાકે આ ટ્રેન ઉપડી હતી.. જ્યાં સુધી આ ટેકનિકલ ખામી દૂર નહીં થશે ત્યાર સુધી આ ટ્રેન રન કરાવવામાં આવશે નહીં.
છ ટ્રેનો મોડી ઉપડી : અત્રે ઉલ્લેખનીય છે કે સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનમાં સર્જાયેલી આ સમસ્યાના કારણે 6 જેટલી ટ્રેનો મોડી પડી હતી જેમાં તેજસ એક્સપ્રેસ, ડબલ ડેકર, સયાજી એક્સપ્રેસ, વલસાડ વડોદરા ઇન્ટરસિટી સહિત બે મેમુ ટ્રેન મોડી થઈ હતી.