પારડીઃ ગોઈમા ગામે એક સસરાએ પોતાના જમાઈને ગળે ટૂંપો આપી મારી નાખ્યો. ત્યારબાદ આ હત્યાને આત્મહત્યામાં ખપાવી દેવાનું ષડયંત્ર રચ્યું. જો કે પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા આ હત્યારા સસરાની પોલ ખુલી ગઈ હતી. પોલીસે હત્યારા સસરા અને હત્યામાં મદદ કરનાર સગીરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
સમગ્ર ઘટનાક્રમઃ સોનવાડા ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતા રિતેશ પટેલના લગ્ન ગોઈમા ગામે કેરપાડા ફળિયામાં વિનોદ પટેલની દીકરી વૈદેહી સાથે થયા હતા. રિતેશ દારૂ પીને પત્નીને મારતો અને તેમની વચ્ચે કંકાસ અવારનવાર થતો. 26મી જાન્યુઆરીની રાત્રે રિતેશ સાસરે દારુ પીને આવ્યો હતો. તેણે સાસરે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. રિતેશે પત્ની વૈદેહી અને સાસુ સરસ્વતિને માર માર્યો હતો. જો કે આ સમયે સસરા વિનોદે દીકરી વૈદેહી અને જમાઈને છોડાવ્યા હતા. રિતેશ સાસરે ઘરમાં અંદરના ભાગે સૂઈ ગયો હતો. વિનોદ પટેલ પોતાની પત્ની, દીકરી અને પૌત્રીને બાઈક પર પોતાની અન્ય દીકરી સેજલના ઘરે મુકી આવ્યો હતો. ઘરમાં નશાની હાલતમાં સુતેલા જમાઈ રિતેશને પતાવી દેવાનું વિનોદે નક્કી કર્યુ. તેણે પોતાના એક સગા યુવકને બોલાવી રિતેશના પગ પકડી રાખવા કહ્યું. ત્યારબાદ ઓઢણીથી રિતેશનું ગળુ ટૂંપી કાઢ્યું. થોડીવારમાં રિતેશ મૃત્યુ પામ્યો હતો.
આત્મહત્યાનું ષડયંત્રઃ સસરા વિનોદ પટેલે મૃતક જમાઈ રિતેશ પટેલે આત્મહત્યા કરી હોવાનું ઉપજાવી કાઢ્યું હતું. તે મૃતક રિતેશને લઈને ખાનગી કારમાં નાનાપોઢા સરકારી દવાખાને પણ લઈને ગયો. જો કે ફરજ પરના હાજર તબીબે રિતેશનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. વિનોદ પટેલે દરેકને કહ્યું કે રિતેશે લાકડાના દંડા સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જો કે રિતેશના ભાઈને રિતેશના સાસરિયાઓ પર પહેલેથી જ શંકા હતી. તેથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. પીઆઈ બી.જે. સરવૈયા અને તેમની ટીમ, એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળ પર ધસી આવ્યા હતા. તેમણે મૃતકનું પીએમ કરાવ્યું હતું. જેમાં ગળુ દબાવાથી રિતેશનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પીઆઈ બી.જે. સરવૈયા ની ટીમે કડકાઈથી પુછપરછ કરતા સસરા વિનોદ પટેલે પોતે જમાઈને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આમ પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી કાઢ્યો હતો.
આ કિસ્સામાં પી એમ રિપોર્ટ આવ્યા બાદ સસરાની કડકાઈથી પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે સસરા અને હત્યામાં મદદગાર બનનાર સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે...એ. કે. વર્મા(ડીવાયએસપી, વલસાડ)