વલસાડઃ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘરકંકાસથી કંટાળીને બિહાર જઈ રહેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રિત મહિલાનું સેન્ટરના કર્મચારી દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા સાથે વાતચીત કરતાં જાણ થઈ હતી કે, મહિલા બબન બિગહા, સાબન્હુઆ, હરનૌત, જીલ્લા – નાલંદા બિહારના વતની છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનો પરિવાર કામ-કાજ અર્થે દિલ્લીમાં રહે છે. તેમજ ઘરમાં સાસુ સાથે વારંવાર ઝગડો થતો રહે છે.
ગુસ્સામાં બિહાર જવા નીકળી હતીઃ તા.06-07-27ના રોજ ઘરકંકાસ થતાં આ મહિલાએ ગુસ્સામાં ઘર છોડી દીધું હતું. તેણી ઘરેથી બિહાર જવા રેલવે સ્ટેશન પહોંચી હતી. તેણીને ટ્રેન વિશે વધુ માહિતી ન હોવાથી કોઈ અજાણ્યા વ્યક્તિને પૂછતાં તેણે બિહા ના બદલે બીજી કોઈ ટ્રેનમાં બેસાડી દીધા હતા. અજાણ્યો વિસ્તાર જણાતા તેણી વાપી સ્ટેશન ઉતરી ગઈ હતી. ત્યાંથી બહાર નિકળી ખૂબ રડી રહ્યા હતા. તેથી તેમને કોઈ અજાણ્યા વ્યક્તિએ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચાડ્યા હતા.
સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રયઃ આ મહિલાને મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં તા. 8 જુલાઈના રોજ ડુંગરા પોલીસ સ્ટેશન વાપી દ્વારા આશ્રય માટે લાવવામાં આવતાં તેમને વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. મહિલાના પરિવારની જાણકારી મેળવી તેમના પતિ તેમજ બહેન સાથે સંપર્ક થતાં તેઓને સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમની ઓળખ કર્યા બાદ તેમના પતિ તેમજ બહેન સાથે મુલાકાત કરાવતા મહિલા ભાવુક થઈ ગયા હતા. પતિએ પણ જણાવ્યું કે, હું મારી પત્નીને મારી સાથે ઘરે લઈ જવા માંગુ છું. કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાના પરિવારજનોની ખાતરી કર્યા બાદ પરિવારથી વિખૂટી પડેલી મહિલાનું પુન:મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારે સખી વન સ્ટોપ સેન્ટરની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.