વડોદરા : ઉત્તરાયણના તહેવારને લઇ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ગુબ્બારા પર પ્રતિબંધી લાદી દીધો હતો. ઉત્તરાયણના તહેવાર દરમિયાન આ વર્ષે ભાગ્યે જ પતંગની દોરીથી કોઇના ગળા કપાયા હોવાના કિસ્સા સામે આવ્યાં હતા. પરંતુ ઉત્તરાયણ ગયે આજે પંદર દિવસ જેટલો સમય વિતી ગયો છે ત્યારે પતંગની દોરીથી યુવકનું ગળુ કપાયું હતું. દોરીનો ઘા એટલો તીક્ષ્ણ હતો કે રસ્તા ઉપર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. જેથી લોહીમાં લથબથ યુવકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
યુવકનુ આખું ગળુ ચિરાયું : જાણવા મળતી માહિતી મુજબ શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ સ્થિત સવારે નોકરી ઉપર જઇ રહેલા વિપુલ પટેલ નામનો યુવક બાઇક ઉપર નિકળ્યો હતો. તે સમયે અચાનક તેના ગળામાં પતંગની ધારદાર દોરી ભરાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઇક સવાર યુવકનુ આખું ગળુ ચિરાઇ જતા લોહીના ફુવારા ઉડ્યા હતાં. જોતજોતામાં યુવક જમીન ઉપર ઢળી પડ્યો સમગ્ર ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યાં હતાં.
હોસ્પિટલમાં હાલત ગંભીર : વડોદરાના મકરપુરા વિસ્તારમાં પતંગની દોરીથી યુવકનુ ગળુ કપાતા રસ્તા ઉપર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં. લોહીમાં લથબથ યુવકને એકત્રિત થયેલ લોકો દ્વારા 108 મારફતે એમ્બ્યૂલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત અતિ ગંભીર બનતા તેનું ઓપરેશન કરવાની નોબત આવી પડી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
લટકતી દોરીઓ કાઢી લેવામાં બેદરકારી : ઉત્તરાયણના તહેવાર બાદ MGVCL વિભાગ દ્વારા તાર, ઝાડ, કે થાંભલા ઉપર લટકતા દોરા હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ જાણે આ વર્ષે MGVCL દ્વારા આ પ્રકારની કોઇ કામગીરી કરવામાં ન આવી હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે.