વડોદરા : શહેરમાં ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયના પ્રથમ માળની દીવાલ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ધરાશાયી થયેલ દીવાલની જગ્યાએ ધોરણ 7 નો વર્ગ હતો, વિદ્યાર્થીઓ એ જ રૂમમાં ભણતાં હતા.
નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના : આ ઘટના બન્યા બાદ શાળા સંચાલકોએ ફાયર ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમ સ્કૂલ પર પહોંચીને કામગીરીમાં લાગી હતી. શાળાને પણ ખાલી કરી દેવામાં આવી છે. દીવાલ રહેણાંક વિસ્તારમાં પડી હતી. જાણવા મળતી માહિતી મુજબ જે વિદ્યાર્થીઓ નીચે પટકાયા છે, તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ વિધાર્થીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એક વિદ્યાર્થીને ઈજાગ્રસ્ત : વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દિવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે કાટમાળ નીચે ત્રણથી ચાર સાયકલ દબાઈ હતી. પરંતુ જો સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો.
આવી રીતે ટળી જાનહાની : આ સમગ્ર ઘટના રીસેસ ટાઈમમાં બની હોવાથી કેટલાય બાળકોના જીવ બચી ગયા. અચાનક બનેલી ઘટનામાં પાંચથી સાત જેટલી સાયકલો કાટમાળમાં દટાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી હતી.
જનતાનો સવાલ : અવારનવાર વડોદરા શહેરમાં આવી ઘટનાઓ બનતી હોય છે. જેનો ભોગ નિર્દોષ બાળકો જ બનતા હોય છે. એટલું જ નહીં પરંતુ સંચાલકોની બેદરકારીના કારણે પણ આવી ઘટના બને છે. જ્યારે ઘટના બને છે ત્યારે જ તંત્ર સજાગ થાય છે. હરણી બોટ કાંડ બન્યા પછી પણ વડોદરાનું શિક્ષણ આલમ ઘોર નિંદ્રામાં જ હોય તેવું સાબિત થઈ ગયું છે.