વડોદરાઃ આખા ગુજરાતને ધૃજાવી મુકનાર વડોદરાના હરણી બોટ એક્સિડન્ટમાં પોલીસને વધુ 2 આરોપી પકડવામાં સફળતા મળી છે. આ ગુનામાં 20 પૈકી 4 ફરાર આરોપી માંથી 2 ધર્મીલ અને દિપેન શાહની જૂના પાદરા રોડ ચકલી સર્કલથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ બન્નેને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી પોલીસે કરી હતી. આ માંગણીના બદલમાં નામદાર કોર્ટે ધર્મીલ અને દિપેન શાહના આગામી 13 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ આરોપી નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં નામદાર કોર્ટે બંનેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે.
20 આરોપીઓ વિરુદ્ધ કેસઃ તા. 18 જાન્યુઆરીના રોજ વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકોને પ્રવાસ માટે લેકઝોન ખાતે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જે મામલે પોલીસે કૂલ 20 જેટલા જવાબદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જે પૈકી 16 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને ચાર ફરાર છે.જેની પણ શોધખોળ ચાલુ છે.
ન્યાય માટે ઉગ્ર માંગણીઃ વડોદરાના હરણી લેક ઝોન ખાતે બનેલી બોટની દુર્ઘટનાને લઈને સમગ્ર શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પરંતુ હાલ પણ કેટલાક શિક્ષકો અને સંસ્થાઓ દ્વારા પણ આ બાબતે બેદરકારી સામે આવી હતી. જેમાં પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાના વિધાર્થીઓને કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના પોરબંદરના દરિયાની તીવ્ર લેહરો સાથે રમવા દેવામાં આવ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે પણ એક શિક્ષકોની બેદરકારી કહી શકાય.જેથી હરણી લેકઝોન દુર્ઘટનાના જવાબદારોને સખ્તમાં સખ્ત સજા મળે તેવી લોકોમાં માગ ઉઠી છે. આ સાથે જે પરિવારોએ તેમના બાળકો ગુમાવ્યાં છે ત્યારે તેમના વાલીઓ ન્યાય માટે તડપી રહ્યા છે.
આજે સુનાવણીઃ 29 જાન્યુઆરીના રોજ નેહા દોશી, તેજલ દોશી અને જતીન દોશીની ધરપકડ કરવામાં આવી હતી. જવાબદારોની પુછતાછ કરવા પોલીસે રિમાન્ડ મેળવ્યાં હતા. પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેઓને કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. જેની આજે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટરની હાજરીમાં સુનવણી હાથ ધરાશે.