તાપી : લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ત્યારે ભાજપ સહિત અન્ય પક્ષોએ ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરી છે. બારડોલી બેઠક પર લોકસભા ઉમેદવાર જાહેરાત કર્યા બાદ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બારડોલી લોકસભા વિસ્તારમાં આવેલ વાલોડ તાલુકાના અંબાચ ગામે ઉતરાખંડ રાજ્યના અલ્મોડાના સાંસદ અને માજી કેન્દ્રીય પ્રધાન અજય તમતા લોકસંપર્ક હેઠળ પ્રવાસમાં આવ્યા હતા.
ગુજરાત પ્રવાસે ઉત્તરાખંડના સાંસદ : સાંસદ અજય તમતાએ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થી આદિમજૂથ પરિવારોની મુલાકાત લીધી હતી. ઉપરાંત તેમની સાથે બેસીને સંવાદ કર્યો હતો. અજય તમતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આદિમ જૂથના લોકો વધુ અભ્યાસ કરે અને તેમની કળાને બહાર લાવી અને તેમની કળામાં નવનીકરણ આવે તે માટેના સરકાર પ્રયાસો કરી રહી છે.
સરકારી આવાસ યોજના : વાંસ કામ કરી જીવન ગુજરાન કરતા કોટવાળીયા સમાજના લોકોને સરકારી આવાસ યોજનાનો લાભ મળ્યો હતો. અતિ પછાત ગણાતા આદિમ જૂથના લોકો કાચા મકાન રહેતા હતા. હાલ તેમનું પાકું ઘર બનવાનું કામ ચાલુ છે. ત્યારે આ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સરકાર તરફથી તેમને 2 લાખ 20 હજારની સહાય પૂરી પાડવામાં આવી છે.
લાભાર્થીનો પ્રતિભાવ : આવાસ યોજનાના લાભાર્થીએ જણાવ્યું હતું કે, 40 વર્ષથી કાચા મકાનમાં રહેતા હતા અને ચોમાસાની ઋતુમાં ઘરમાં પાણી ટપકવાને કારણે રહેવાની મુશ્કેલી પડતી હતી. આજે અમને આવાસ યોજનાનો લાભ મળ્યો છે અને 2 લાખ 20ની સહાય મળી છે. તેનાથી મારું પાકું ઘર તૈયાર થશે તેની મને ખુશી છે.
સરકારે આપી સુવિધા : સાંસદે અજય તમતાએ જણાવ્યું કે, આજે મને અંબાચ ગ્રામ પંચાયત આવવાનો અવસર પ્રાપ્ત થયો અને અહીં અમારા પરિવારજનો માટે બની રહેલા ઘરને હું જોઈ રહ્યો છું. આવાસ યોજના અંતર્ગત તેઓ ઘર બનાવી રહ્યા છે. વાસ્તવમાં જે મૂળભૂત સુવિધા છે જેમ કે શૌચાયલ, ઘર, પાણી, વીજળી અને બીમાર થાય તો આયુષ્માન ભારતના માધ્યમથી તેઓ પોતાનો ઈલાજ કરાવી શકે છે. આ બધી સુવિધાઓનું સમાધાન પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યું છે.