ગાંધીનગરઃ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ઘણા જિલ્લાઓમાં વિવિધ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના પાકને થયેલા નુકસાનના સર્વે માટે સરકારે આદેશ આપ્યા છે. કૃષિ મંત્રાલય દ્વારા સર્વે બાદ તેના ડેટા આધારિત ખેડૂતોને વળતર ચૂકવવા માટે નિર્ણય લેવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદને કારણે ઉભા પાકને થયેલા નુકસાન અંગે સર્વેની જાહેરાત કરી છે.
પાક નુકસાનીનો કરાશે સર્વેઃ કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે સંભવિત નુકસાન સામે રાજ્યના ખેતીવાડી ખાતાએ જ્યારથી હવામાન ખાતાની આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ ખેડૂતો અને ખેતીવાડી સાથે સંકળાયેલી સંસ્થાઓને પૂરી પાડી છે. ગઈકાલે જે કમોસમી વરસાદ થયો જેમાં કેરીના પાક, ઉનાળુ બાજરીને નુકસાન થવાની સંભાવના છે. કૃષિ મંત્રાલય દ્વારા જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય સર્વે નું કામ શરૂ કરવાની સૂચના અમે આપી દીધી છે. 17 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી હોવાથી ફાઈનલ રિપોર્ટ 17 તારીખ પછી જાણવા મળશે. અમારુ ખાતુ આ બાબતમાં ખૂબ જ સક્રિય છે.
મુખ્યપ્રધાને યોજી મીટિંગઃ રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઉચ્ચકક્ષાના અધિકારીઓ મીટિંગ યોજી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સુચનાઓ તંત્રને આપી છે. વરસાદને કારણે જે પરિસ્થિતિ ઊભી થવાની છે તેને કારણે રાજ્ય સરકાર ચિંતિત અને સક્રિય છે.
કેરી સિવાય પાકોને પણ નુકસાનઃ ગુજરાતમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. તેજ પવન સાથે વરસાદથી ખેડૂતોના કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. તોફાની પવનના કારણે કેસર આંબાવાડિયાઓની કેરીઓ ખરી પડી છે. કેરી ઉપરાંત કેળા, પપૈયાના પાકોને ભારે નુકસાન થયુ થયું છે. અડદ, મગ અને તલ સહિત ઉનાળુ મગફળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. આ તમામ પાકો લણવાની તૈયારીમાં છે ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોને નુકસાન કરાવ્યું છે.